(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ નજીક છે ત્યારે મલાડમાં ઓછા દબાણ સાથે અપૂરતું પાણી મળી રહ્યુંં હોવાથી નાગરિકો પરેશાન થઈ ગયા છે, ત્યારે સતત ફરિયાદ કર્યા બાદ પણ દુલર્ક્ષ કરનારા પ્રશાસનના
અધિકારીઓના વલણ સામે મલાડના નગરસેવકોએ મંગળવારે પાલિકાની મલાડની ઓફિસ બહાર ધરણા કર્યા હતા. એટલું જ નહીં પણ પાલિકાની સામાન્ય સભામાં પાણીને મુદ્દે સંબંધિત અધિકારીઓને નિલંબિત કરવાની માગણી પણ કરી હતી.

પશ્ર્ચિમ ઉપનગરના ગોરેગામથી બોરીવલી વિસ્તારમાં હંમેશાથી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહ્યો હોવાની ફરિયાદ રહી છે ત્યારે મલાડમાં છેલ્લા અનેક દિવસોથી ઓછા દબાણ સાથે પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ નાગરિકો કરી રહ્યા છે. આ બાબતે પાલિકાના પી-પૂર્વ અને પી-ઉત્તર વોર્ડની પ્રભાગ સમિતિમાં આ મુદ્દો ચર્ચા માટે અગાઉ આવી ચૂકયો હતો પણ નગરસેવકોની ફરિયાદ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું ન હોવાના મુદ્દા સાથે સ્થાનિક નગરસેવક અજિત રાવરાણે મંગળવારે પી-ઉત્તર વોર્ડની ઓફિસ બહાર પાણીના હાંડા સાથે ધરણાં પર બેસી ગયા હતા અને બાદમાં અન્ય નગરસેવકો પણ તેમની સાથે જોેડાયા હતા. છતાં પી-પૂર્વ અને પી-ઉત્તર વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોએ આ બાબતે કોઈ જવાબ આપ્યો નહોતો.
સ્થાનિક નગરસેવક અજિત રાવરાણે મંગળવારે પાલિકાની સામાન્ય સભામાં પાણીના મુદ્દે પોઈન્ટ ઓફ ઓર્ડર લઈને પ્રશાસનનુંં ધ્યાન દોર્યું હતું. અન્ય નગરસેવકોએ પણ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં થઈ રહેલા અપૂરતા પાણીપુરવઠાને લઈને પ્રશાસનને ફરિયાદ કરી હતી. આ દરમ્યાન મંગળવારે મલાડની પાલિકાની ઓફિસમાં નગરસેવકોના ધરણાં બાદ પણ પાલિકા અધિકારીઓને તેની દખલ નહીં લેતા બહુમતીએ નગરસેવકોએ સંંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.
સ્થાનિક નગરસેવક અજિત રાવરાણેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે હાલ સમગ્ર મલાડમાં ઓછા પાણીની ફરિયાદ થઈ રહી છે. મલાડ પૂર્વમાં પાણીની ચોરી થાય છે. અહીં મોટા પ્રમાણમાં કારખાનાઓ આવેલા છે, જેમાં ૫૦થી ૧૦૦ કામગારો કામ કરતા હોય છે. અહીં કારખાનાઓમાં બેથી ત્રણ મોટર બેસાડવામાં આવેલી છે, ગેરકાયદે રીતે બેસાડેલી મોટરો સમગ્ર પાણી ખેેંચી લેતી હોય છે અને તેને કારણે આજુબાજુના વિસ્તારોને ઓછું પાણી મળી રહ્યું હોવા બાબતે અનેક વખત પ્રભાગ સમિતિમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું. સંંબંધિત અધિકારીને જગ્યા પર લઈ જઈને પરિસ્થિતિથી વાકેફ પણ કર્યા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી નાછૂટકે મંગળવારે પાણીને મુદ્દે મલાડમાં ધરણાં કરવા પડયાં હતા પણ અધિકારીઓ નગરસેવકોને પણ ગણકારતા નથી.