Mon Sep 07 2026

Logo

મલાડમાં 10 લાખની રોકડ ચોરવાના કેસમાં યુવાન અમદાવાદમાં પકડાયો

2026-04-27 20:15:00
Author: Yogesh C. Patel
મલાડમાં 10 લાખની રોકડ ચોરવાના કેસમાં યુવાન અમદાવાદમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
આંગડિયાની ઑફિસેથી નીકળેલા ફરિયાદીના સ્કૂટરની ડિકીમાંથી 10 લાખની રોકડ ચોરવાના કેસમાં પોલીસે અમદાવાદથી યુવાનની ધરપકડ કરી હતી.

આ કેસમાં પકડાયેલા આરોપીના બે સાથીની પણ સંડોવણી સામે આવી છે. બન્ને શકમંદની શોધ ચાલી રહી હોવાથી પકડાયેલા આરોપીની ઓળખ છતી કરવાનો ઇનકાર કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કરણ સોનકવડેએ કર્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 7 એપ્રિલના રોજ કાંદિવલી પોલીસની હદમાં બની હતી. મલાડ પૂર્વમાં ડાયમંડ માર્કેટમાંથી આંગડિયાની ઑફિસેથી 10 લાખ રૂપિયા લઈને ફરિયાદી નિખિલ શાહ (44) સ્કૂટર પર નીકળ્યો હતો. આ રોકડ સ્કૂટરની ડિકીમાં રાખવામાં આવી હતી. 

બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં સ્કૂટર ઊભું રાખી શાહ થેલી લેવા ગયો હતો. થેલી લઈને પાછો આવે ત્યાં સુધીમાં રોકડ ગુમ હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે સ્કૂટરસવાર બે શકમંદે શાહનો પીછો કર્યો હતો અને તક મળતાં જ રોકડ પર હાથસફાઈ કરી હતી.

આ પ્રકરણે કાંદિવલી પોલીસે ગુનો નોંધી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધીના 125થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપીને ઓળખી કાઢ્યો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી ગુજરાતના અમદાવાદ શહેરમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. અમદાવાદ પહોંચેલી પોલીસની ટીમે આરોપીને તાબામાં લીધો હતો. તેની પાસેથી સાત લાખની રોકડ હસ્તગત કરવામાં આવી હતી.