Thu Jul 23 2026

Logo

રાજ્યસભા ચૂંટણી: શું શરદ પવાર રાજકારણમાંથી લેશે નિવૃત્તિ? જાણો મહારાષ્ટ્રનું ગણિત...

2026-02-18 19:40:29
Author: Mumbai Samachar Team
Article Image

Sharad Pawar


નવી દિલ્હી/મુંબઈઃ ચૂંટણી પંચે આજે 10 રાજ્યમાં કુલ 37 ખાલી રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું  સમયપત્રક જાહેર કર્યું છે. જેમાં મહારાષ્ટ્રની સાત બેઠકનો સમાવેશ થાય છે. મતદાન 16 માર્ચે થશે, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી નવમી માર્ચ છે. આ ચૂંટણીઓના પરિણામો મહારાષ્ટ્રમાં ક્યાં રાજકીય દળોનો દબદબો છે તે સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરશે, જેમાં શાસક મહાયુતિ ગઠબંધનને પ્રચંડ વિજય મળે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિ મજબૂત સ્થિતિમાં છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પાસે 131, શિવસેના (શિંદે) પાસે 57, અને એનસીપી (અજિત પવાર) પાસે 40 વિધાનસભ્ય છે. તેમને નાના પક્ષો અને અપક્ષોનો પણ ટેકો છે. તેથી મહાયુતિ સરળતાથી છ બેઠકો જીતી જશે.  શિવસેના (UBT)ના 20, કોંગ્રેસ પાસે 16 અને NCP (શરદ પવાર) ના 10 ધારાસભ્યો છે, તેથી વિપક્ષી મહા વિકાસ આઘાડી માંડ એક બેઠક મેળવી શકશે. 

રાજ્યસભાની ચૂંટણીમાં દરેક બેઠક માટે લગભગ 37 મતોની જરૂર પડે છે અને મહાયુતિની કુલ સંખ્યા છ ઉમેદવાર માટે પૂરતી છે. ભાજપ મજબૂત સ્થિતિમાં હોવાથી તેના ચાર ઉમેદવારો જીતી શકે છે. શિવસેના (શિંદે) પાસે વધારાના મતો છે, જે એક બેઠક સરળતાથી જીતી શકે છે. અજિત પવાર જૂથ પણ પોતાના દમ પર એક બેઠક મેળવી શકે છે. વિપક્ષી , MVA ની એકંદર તાકાત એક બેઠક માટે પૂરતી સારી છે, પરંતુ આ મોટે ભાગે એકતા પર આધાર રાખશે.

નિવૃત્ત થનારા સાત સભ્યમાં શરદ પવાર (એનસીપી-એસપી), ફૌઝિયા ખાન (એનસીપી-એસપી), ડો. ભગવત કરાડ અને ધૈર્યશીલ પાટીલ (ભાજપ), રામદાસ આઠવલે (આરપીઆઈ), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના યુબીટી) અને રજની પાટીલ (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે.

MVAમાંથી રાજ્યસભામાં કોણ જશે?
શરદ પવારની ભૂમિકા અહીં મહત્વપૂર્ણ છે. રાજ્યમાં બંને NCP જૂથના વિલીનીકરણની વાતો ચાલી રહી છે, પરંતુ અત્યારે આ દૂરની વાત લાગે છે. સંજય રાઉત જેવા શિવસેના (UBT)ના નેતાઓએ શરદ પવારને રાજ્યસભામાં ફરીથી ચૂંટવાનો પ્રસ્તાવ મૂક્યો છે, અને કોંગ્રેસ પણ તેમને ટેકો આપી શકે છે. જો શરદ પવાર ઉમેદવાર બને છે, તો તેમનો વિજય સરળ બની શકે છે. 

જોકે, તાજેતરની રાજકીય ઘટનાઓ અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને, તેઓ તેમની સંસદીય કારકિર્દી ચાલુ રાખવા માંગે છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. ઘણા વિશ્લેષકો માને છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

રામદાસ આઠવલેની સ્થિતિ પણ રસપ્રદ છે. તેઓ ભૂતકાળમાં કોંગ્રેસ, એનસીપી કે ભાજપના ટેકાથી જીત્યા છે, પરંતુ ક્યારેય સ્વતંત્ર રીતે સફળ થયા નથી. છેલ્લે , ભાજપે તેમને તક આપી હતી અને કેન્દ્રમાં રાજ્યમંત્રી પદની ઓફર પણ કરી હતી. 

રાજ્યમાં હાલ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી કોઈ મોટી ચૂંટણીઓ નથી. તેથી, ભાજપ તેમને બીજી તક આપશે કે કોઈ નવો ચહેરો મેદાનમાં ઉતારશે એ જોવું રસપ્રદ રહેશે. એકંદરે, આ ચૂંટણીઓ માત્ર રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ નક્કી નહીં કરે, પરંતુ આગામી વર્ષોમાં રાજ્યની રાજકીય દિશાને પણ પ્રભાવિત કરશે.