મુંબઈ: અલ નીનો પ્રકોપને કારણે અત્યારથી દેશમાં કાગારોળ કરવામાં આવી રહી છે, તેમાંય મહારાષ્ટ્રમાં સૌથી મોટો ફટકો પડ્યો છે, ત્યારે શિયાળો શરુ થયા પહેલા રાજ્યના અનેક ડેમમાં પાણી તળિયાએ પહોંચ્યું છે. જાલના જિલ્લામાં પાણીનું સંકટ હવે ગંભીર તબક્કે પહોંચી ગયું છે. ભોકરદન તાલુકાના ધામણા ડેમમાં માત્ર 2 ટકા પાણી જ બચ્યું છે અને આ જળસંગ્રહ આસપાસના અનેક ગામો માટે પીવાના પાણીનો આધાર છે. પાણીની આ અછત વચ્ચે ડેમમાં બચેલા પાણીના ગેરકાયદે ઉપાડને રોકવા માટે હવે પોલીસ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમ દિવસ-રાત ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.
ધામણા ડેમમાં પાણી એટલું ઓછું બચ્યું છે કે વહીવટીતંત્રે આ જળસંગ્રહને પીવાના પાણી માટે અનામત રાખ્યો છે. ઓછા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક ઘટી હતી અને જરૂરિયાતની સરખામણીએ પાણીની આવક ઓછી રહેતાં જળસંગ્રહ સતત ઘટતો ગયો. હવે ડેમમાં માત્ર 2 ટકા પાણી બચતાં બચેલા જળસંગ્રહની સુરક્ષા પણ એક મોટો પડકાર બની છે.
બચેલા પાણીનો કોઈ વ્યક્તિ ગેરકાયદે ઉપયોગ ન કરી જાય અથવા ડેમમાંથી ચોરીછૂપીથી પાણી બહાર ન કાઢે તેના પર નજર રાખવા માટે પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમને ડેમ પર તૈનાત કરવામાં આવી છે. આ ટીમ માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ કરી રહી છે. ડેમમાંથી પાઈપ દ્વારા પાણી કાઢવાની કોઈ કોશિશ ન થાય તે માટે પણ સતત નજર રાખવામાં આવી રહી છે.
ભોકરદન તાલુકા અને આસપાસના વિસ્તારોમાં પૂરતો વરસાદ ન થતાં ડેમમાં પાણીની આવક ઓછી રહી હતી. બીજી તરફ પાણીની જરૂરિયાત વધુ હોવાથી જળસંગ્રહ ધીમે ધીમે ઘટતો ગયો અને હવે તે 2 ટકાના સ્તરે આવી પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ડેમમાં બચેલું પાણી આસપાસના ગામો માટે પીવાના પાણીનો મહત્વનો આધાર બની ગયું છે.
વહીવટીતંત્રે ડેમમાંથી કોઈપણ પ્રકારના અનધિકૃત પાણી ઉપાડ અથવા પાણીના ગેરકાયદે ઉપયોગની ફરિયાદ મળે તો કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. એક તરફ ખેતરો માટે પાણીની જરૂરિયાત છે, તો બીજી તરફ આસપાસના ગામો માટે પીવાનું પાણી પણ જરૂરી છે. આ બંને જરૂરિયાતો વચ્ચે ડેમમાં બચેલા માત્ર 2 ટકા પાણીનો ઉપયોગ માત્ર પીવાના પાણી માટે જ થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
હાલ ધામણા ડેમની આસપાસ પોલીસ અને મહેસૂલ વિભાગ નજર રાખી રહી છે. ડેમમાં પાણીની આવક ઓછી અને જળસંગ્રહ માત્ર 2 ટકા બચ્યો હોવાથી વહીવટીતંત્ર બચેલા પાણીના એક-એક ટીપાંને સુરક્ષિત રાખવા માટે સાવચેતી રાખી રહ્યું છે. સ્થિતિની ગંભીરતા એ હદે પહોંચી છે કે ડેમના બચેલા પાણીની રક્ષા માટે હવે પોલીસનો પહેરો ગોઠવવો પડ્યો છે