મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન મહારાષ્ટ્ર એફડીએ ભેળસેળ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યભરમાં ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન 6.34 લાખ કિલો શંકાસ્પદ ખાદ્ય સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 9.76 કરોડ રુપિયા હોવાનું જણાવાયું છે.
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન ભેળસેળ અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થોના વેચાણને રોકવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 1થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરાયેલા આ અભિયાનમાં કુલ 3,068 ખાદ્ય પ્રતિષ્ઠાનોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 2,423 ખાદ્ય નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા હતા. ભેળસેળની શંકાને આધારે આશરે 6.34 લાખ કિલો ખાદ્ય સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 9.76 કરોડ રુપિયા છે.
એફડીએની કાર્યવાહી દરમિયાન વિવિધ ખાદ્ય પ્રતિષ્ઠાનોમાંથી મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. તહેવાર દરમિયાન વધુ માંગ ધરાવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખામીઓ મળી આવતા 1,506 પ્રતિષ્ઠાનોને સુધારણા માટે નોટિસ આપવામાં આવી હતી.
ગંભીર નિયમોના ઉલ્લંઘન બદલ 248 પ્રતિષ્ઠાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે 12 લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની કલમ 69 હેઠળ 455 કેસ નોંધવામાં આવ્યા હતા. તેમાંથી 398 કેસનો નિકાલ થઈ ચૂક્યો છે અને આશરે 53.60 લાખ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ગણેશ મંડળો માટે ફેસ્ટિવલ એન્ફોર્સમેન્ટ પોર્ટલ શરૂ
ગણેશોત્સવ દરમિયાન ભંડારા, અન્નછત્ર અને મહાપ્રસાદના આયોજનને ધ્યાનમાં રાખીને એફડીએ એ ગણેશ મંડળો માટે ‘ફેસ્ટિવલ એન્ફોર્સમેન્ટ પોર્ટલ’ પણ શરૂ કર્યું હતું. રાજ્યભરના ગણેશ મંડળો દ્વારા આ પોર્ટલ પર કુલ 3,198 ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી.
આ અરજીઓમાં જોખમના આધારે 383 સ્થળોએ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી. ગણેશ મંડળોને ખાદ્ય સુરક્ષા, પીવાનું પાણી, કાચો માલ, સ્ટોરેજ તેમજ ભોજન તૈયાર કરવાની જગ્યા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
નાસિક ડિવિઝનમાં સૌથી વધુ ખાદ્ય સ્ટોક જપ્ત
એફડીએની કાર્યવાહીમાં નાસિક ડિવિઝન સૌથી આગળ રહ્યું હતું. અહીં આશરે 4,42,746 કિલો ખાદ્ય સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત લગભગ 6.23 કરોડ રુપિયા છે.
બીજી તરફ, મુંબઈ ડિવિઝનમાં 88 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આશરે 4,203 કિલો ખાદ્ય સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો. તેની અંદાજિત કિંમત લગભગ 16.24 લાખ રુપિયા હોવાનું જણાવાયું છે.
એફડીએના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો હેતુ ધાર્મિક આયોજનોમાં દખલ કરવાનો નથી. વિભાગ દ્વારા ઉત્પાદન, સંગ્રહ અને સપ્લાયના સ્તરે ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ભેળસેળયુક્ત અથવા અસુરક્ષિત ખાદ્ય સામગ્રી બજારમાં પહોંચે નહીં.
નાગરિકોને એફડીએની અપીલ
એફડીએએ નાગરિકોને અપીલ કરી છે કે પ્રસાદ, મીઠાઈ અને ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થો માત્ર લાઇસન્સ ધરાવતી દુકાનોમાંથી જ ખરીદે. ખરીદી કરતી વખતે દુકાન પર લાઇસન્સ નંબર અને ‘ફૂડ સેફ્ટી કનેક્ટ’ QR કોડની તપાસ કરવા તેમજ બિલ અવશ્ય લેવાની સલાહ આપવામાં આવી છે.
ઉપવાસ માટે ભગરી, સાબુદાણા અને રાજગરા જેવા ખાદ્ય પદાર્થો લેબલવાળા અને સીલબંધ પેકેટમાં જ ખરીદવાની સલાહ એફડીએ દ્વારા આપવામાં આવી છે.
એફડીએ મહારાષ્ટ્રના કમિશનર તુકારામ મુંઢેએ નાગરિકો, ગણેશ મંડળો અને ખાદ્ય વ્યવસાયકારોને સહકાર આપવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો હેતુ તહેવારોને સુરક્ષિત અને ભેળસેળમુક્ત બનાવવાનો છે.