મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યનું 4 અઠિવાડિયાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીના આવતીકાલથી શરુ થવા જઈ રહ્યું છે, જે રીતે સંસદમાં વિપક્ષોએ સદનમાં હંગામો મચાવ્યો છે, તેવું જ તોફાન હવે રાજ્ય વિધાનસભામાં જોવા મળે તેવી પુરી શક્યતા છે. તેની શરૂઆત વિપક્ષો દ્વારા પરંપરાગત ચ્હા-પાન કાર્યક્રમના બહિષ્કાર સાથે થઇ ગઈ છે.
ડુંગળી, ડાંગર, સોયાબીન અને કપાસના ખેડૂતોના મુદ્દાઓ પર મોટો હંગામો થવાની શક્યતા છે. અલીબાગમાં જમીન માપણી વખતે બનેલી ઘટના પર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પર વિપક્ષ નિશાન તાકશે. પરિવારના ત્રણ વ્યક્તિ મહાનગરપાલિકામાં નિર્વિરોધ ચૂંટાઈ આવે તે માટે અરજી દાખલ કરતી વેળાએ ઉપસ્થિત રહીને દમદાટી કરી હોવાનો તેમના ઉપર લાગ્યો હતો.
આ બંને મુદ્દે તેમના ઉપર પસ્તાળ પડશે તેવું ભાસ્કર જાધવે આપેલા નિવેદન પરથી જણાઈ આવે છે. વિરોધપક્ષના નેતાના પદ મુદ્દે પણ નાર્વેકરે એક વર્ષમાં કોઈ નિર્ણય ન લીધો હોવાથી, તે મુદ્દે પણ વિપક્ષો તેમને ઘેરશે તે નક્કી છે.
ટેન્કર પલટી જતાં પુણે એક્સપ્રેસ વે 32 કલાક બંધ રહ્યો અને મુલુંડમાં મેટ્રોનો સ્લેબ પડી ગયો, તે અકસ્માતો અંગે વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. 2017માં જાહેર થયેલી કરજ માફીનો લાભ હજી સુધી ખેડૂતો સુધી પહોંચ્યો નથી, તે બાબતે પણ મુખ્ય પ્રધાન નિશાના પર હશે.
ફડણવીસે જૂન સુધીમાં તેના પર નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું હતું. ભારત-અમેરિકા વ્યાપાર કરારની મહારાષ્ટ્રના ખેડૂતો પર થનારી અસરનો મુદ્દો કોંગ્રેસ ગૃહમાં ઉઠાવે તેવી શક્યતા છે.
25 માર્ચ સુધી ચાલનાર બજેટ સત્રમાં સોમવારે પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ બાદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાનનો શોક પ્રસ્તાવ મુકવામાં આવશે. દિવસ દરમિયાન તેના પર ચર્ચા થશે. અજિત પવારના વિમાન અકસ્માતનો મુદ્દો રોહિત પવાર ઉપસ્થિત કરશે. તેથી ગૃહનું સત્તાવાર કામકાજ મંગળવારથી શરુ થશે.
સત્તાપક્ષના પ્રચંડ બહુમત અને વિપક્ષોના ઓછા સંખ્યાબળને કારણે છેલ્લા એક વર્ષમાં યોજાયેલા ત્રણ અધિવેશનમાં સત્ત્તાપક્ષનું વર્ચસ્વ રહ્યું હતું. છતાં, પ્રશ્નો પૂછવા અને ધ્યાનાકર્ષક પ્રશ્નોની સંખ્યા માટે અધ્યક્ષ રાહુલ નાર્વેકર ટીકાનો શિકાર બન્યા હતા. ધ્યાનકર્ષક પ્રશ્નોની વધતી સંખ્યા બાબતે પ્રધાનોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. પ્રશ્ન પૂછવા માટે રૂપિયા લેવામાં આવે છે તેવા શિવસેના જૂથ નેતા ભાસ્કર જાધવના આક્ષેપને કારણે હંગામો થયો હતો.