મુંબઈ: ‘અલ નિનો’ની અસર હેઠળ દેશભરમાં ઓછા વરસાદની હવામાન નિષ્ણાતોની આગાહી છતાં મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડી ગયો છે. તેમાં પણ મુંબઈ નજીકના હિલ સ્ટેશન ગણાતા મહાબળેશ્ર્વરમાં તો આ વર્ષે વરસાદે અગાઉનો રેકોર્ડ જ બ્રેક કરી નાંખ્યો છે. અત્યાર સુધી મહાબળેશ્ર્વરમાં ૫,૦૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. અધિકારીના કહેવા મુજબ અલ નિનોને કારણે ઓછા વરસાદનો ડર હતો પણ આ વર્ષે તો વરસાદે રેકોર્ડ જ કરી નાંખ્યો છે.
મહાબળેશ્ર્વર નગરપાલિકાના ડેટા મુજબ આ વર્ષે મહાબળેશ્ર્વરમાં ૨૦ જૂનથી પાંચ ઑગસ્ટ સુધીના લગભગ દોઢેક મહિનાના ગાળામાં ૫,૦૦૦ મિલિમીટરથી વધુ વરસાદ પડી ચૂકયો છે. આ અગાઉ ૧૯૭૭માં ૩૧ જુલાઈ સુધીમાં ૩,૭૦૭ મિલીમીટરના હાઈએસ્ટ વરસાદના રેકોર્ડને તોડીને આ વર્ષે ૩૧ જુલાઈના ૪,૧૨૭.૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો.દેશભરમાં આ વર્ષે અલ નિનોને કારણે નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી. આગાહીને જાણે સાચ્ચી કરતી હોય તેમ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી પણ મુંબઈ સહિત રાજ્યમાં મોડી હતી. લગભગ ૨૩ જૂન બાદ રાજયમાં વરસાદ આવ્યો હતો અને તેમાં પણ જૂનમાં ઓછી માત્રામાં વરસાદ પડયો હતો.
જોકે જુલાઈ મહિનામાં વરસાદે તમામ કસર પૂરી કરી હતી અને ૩૧ જુલાઈના અંત સુધીમાં મહાબળેશ્ર્વરમાં ૪,૧૭.૬ મિ.મી. વરસાદ પડીને તેણે અગાઉના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. હાલ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદે બ્રેક લીધો છે ત્યારે મહાબળેશ્ર્વરમાં હજી પણ વરસાદ ચાલુ જ છે. સાત ઑગસ્ટ સુધીમાં મહાબળેશ્ર્વરમાં ૫,૦૬૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષે આ જ સમયે અહીં ૧૫૦ ઈંચ વરસાદ પડ્યો હતો, તેની સામે આ વર્ષે એનાથી પણ વધુ એટલે કે લગભગ ૨૦૦ ઈંચ વરસાદ પડયો છે.