મુંબઈઃ મુંબઈના બોરીવલી વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 13 વર્ષીય સગીરાની શોધખોળમાં ઉત્તર પ્રદેશના મથુરામાં એક અત્યંત અવિશ્વસનીય, ચમત્કારિક અને ભાવુક કરી દે તેવી ઘટના સામે આવી છે. શ્રીકૃષ્ણ અને રાધારાણીની અનન્ય ભક્તિમાં લીન આ કિશોરી પોતાના ગલ્લામાંથી માત્ર રૂપિયા 300 લઈને મુંબઈથી મથુરા પહોંચી ગઈ હતી.
સતત ત્રણ દિવસની અથાગ શોધખોળ પછી હતાશ થયેલા બોરીવલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુરેન્દ્ર લોખંડેએ બરસાનાના શ્રી રાધારાણી મંદિરમાં આંખો બંધ કરી મદદ માટે પ્રાર્થના કરી અને જેવી આંખો ખોલી, ચમત્કારિક રીતે તે જ બાળકી તેમની બરાબર જમણી બાજુ ઊભેલી જોવા મળી હતી!
મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર બોરીવલીના ગોરાઈ વિસ્તારમાં રહે છે. પરિવારમાં પિતા રિક્ષાચાલક છે, માતા અને મોટી બહેન સાથે રહેતી આ 13 વર્ષીય બાળકી બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની પરમ ભક્ત છે. તે પોતાના હાથે મૂર્તિઓ બનાવતી, પૂજા કરતી અને ટીવી પર ધાર્મિક સિરિયલો જોતી રહેતી હતી. પરિવારને તેની માનસિક સ્થિતિ અંગે ચિંતા હોવાથી તેઓ તેને સારવાર માટે મુંબઈ લાવ્યા હતા. બાવીસમી ઓગસ્ટે પરિવારને કહ્યા વગર તે અચાનક ગુમ થઈ જતાં બોરીવલી પોલીસ સ્ટેશનમાં અપહરણ/ગુમ થયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી.
ગુગલ સર્ચ હિસ્ટ્રી અને ગોલ્ડન ટેમ્પલ મેઇલથી મળ્યો સુરાગ:
તપાસ દરમિયાન બાળકીની માતાના મોબાઈલની ગૂગલ સર્ચ હિસ્ટ્રી તપાસતાં તેણે મથુરા, વૃંદાવન અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળો સર્ચ કર્યા હોવાનું સામે આવ્યું. સીસીટીવીમાં દેખાયું કે બાળકી પોતાનો ગલ્લો તોડી રૂપિયા 300 લઈ રિક્ષામાં બોરીવલી સ્ટેશન પહોંચી અને ત્યાંથી સીધી મથુરા જંક્શન જતી 'ગોલ્ડન ટેમ્પલ મેઇલ' ટ્રેનમાં બેસી ગઈ હતી. તેની પાસે કોઈ મોબાઈલ નહોતો.
ઉત્તર મુંબઈ ડીસીપી, સિનિયર પીઆઈ પુષ્પલતા માંડલે અને પીઆઈ (ક્રાઈમ) દિગ્વિજય પાટીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સુરેન્દ્ર લોખંડે, પીસી પ્રભાકર ગાવડે, પ્રમોદ ચૌધરી, ડબ્લ્યુપીસી શાંતિ શિંગડા અને પીસી વિષ્ણુ ઘાટોલની ટીમ મથુરા પહોંચી હતી.
વૃંદાવન-બરસાનામાં શોધખોળ અને મંદિરમાં બનેલી અદભુત ક્ષણ
આશ્રમો, ઘાટ અને ધર્મશાળાઓમાં તપાસ: મુંબઈ પોલીસે વૃંદાવન, નિધિવન, બરસાના, ઘાટો અને ભંડારા ચાલતા હોય તેવા સ્થળો પર હજારો ભક્તો વચ્ચે સઘન શોધખોળ કરી. ત્રણ દિવસની દોડધામ બાદ ટીમ થાકી ગઈ હતી. પીએસઆઈ સુરેન્દ્ર લોખંડે બરસાના સ્થિત રાધારાણી મંદિરમાં ગયા અને હાથ જોડી આંખો બંધ કરીને ઈશ્વર સમક્ષ પોકાર કરી, હે પ્રભુ! આ બાળકીને શોધવામાં મારી મદદ કરો.
થોડી ક્ષણો બાદ જેવી તેમણે આંખો ખોલી અને આજુબાજુ જોયું, તો ગુમ થયેલી બાળકી તેમની જમણી બાજુ જ ઊભી હતી! ઓફિસરે ફોટો મેળવીને નામ પૂછતાં બાળકીએ પૂછ્યું, તમે મને કેવી રીતે ઓળખો છો? પોલીસે તેને પ્રેમથી સમજાવીને પોતાની સુરક્ષામાં લીધી.
બાળકીએ પોલીસને જણાવ્યું કે મુસાફરી દરમિયાન તેને કોણે જમવાનું અને કપડાં આપ્યા તેની તેને ખબર નથી, તેને લાગતું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ તેની આગળ આગળ ચાલી રહ્યા છે અને તે તેમની પાછળ પાછળ મથુરા-બરસાના પહોંચી ગઈ હતી. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુંબઈ પોલીસ બાળકીને હેમખેમ ટ્રેન મારફતે મુંબઈ પરત લાવી પરિવારને સોંપી દીધી હતી.