સુરતથી વાપી વચ્ચે ઓગસ્ટ 2027 સુધીમાં ઓપરેશન શરૂ થવાની શક્યતા
નવી દિલ્હીઃ ભારતમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવા માટે સરકાર આકાશ પાતાળ એક કરી રહ્યું છે, ત્યારે દેશમાં સૌથી પહેલા ભારતમાં બનાવવામાં આવેલી બુલેટ ટ્રેન દોડાવવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છો. સૌથી મોટી વાત એ છે કે આ બુલેટ ટ્રેનની સ્પીડ પણ કલાકના 280 કિલોમીટર ઝડપની હશે. ઈવન કેન્દ્ર સરકારે પણ એ વાતને સમર્થન આપતા કહ્યું છે કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરોડોરમાં (પહેલા ભાગમાં) સ્વદેશી ટ્રેનસેટ (બી28) દોડાવવામાં આવશે.
દેશમાં બુલેટ ટ્રેન દોડાવવા માટે કેન્દ્ર સરકારની સાથે રેલવે મંત્રાલય યુદ્ધના ધોરણે તમામ કામગીરી પાર પાડી રહ્યા છે, જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં કામકાજ સમાપન કરવામાં આવ્યું છે, ત્યારે હવે નવું ડેવલપમેન્ટ જાણવા મળ્યું છે કે ભારતીય રેલવે અમદાવાદ-મુંબઈ કોરિડોરમાં જ બી28 (ભારતમાં નિર્મિત) ચલાવશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ઓપરેશન ઓગસ્ટ, 2027 સુધીમાં શરુ કરવાની અપેક્ષા છે. બુલેટ ટ્રેન નહીં તો સેમી બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જેનાથી ભારતમાં ફક્ત હાઈ સ્પીડ રેલ નેટવર્કની દિશામાં આગળ વધશે નહીં, પરંતુ સ્વદેશી ટેક્નોલોજીને પણ પ્રોત્સાહન મળશે.
સુરતથી વાપી દોડાવવામાં આવશે ટ્રેન
રેલવે મંત્રાલયે એક સંસદીય સમિતિને સૂચિત કર્યું હતું કે નેશનલ હાઈ સ્પીડ રેલવે કંપનીએ સુરતથી વાપી (97 કિલોમીટર) સુધીના કોરિડોરમાં બીઈએમએલ દ્વારા નિર્મિત ટ્રેનસેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. રેલવે સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો રિપોર્ટ મંગળવારે સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (એમએએચએસઆર) યોજના ક્યારે પૂરી કરવામાં આવે એના અંગે વિગતવાર અહેવાલ માગવામાં આવ્યો હતો.
કલાકના 280 કિલોમીટરની ઝડપ હશે
સુરતથી વાપી રુટમાં ઓગસ્ટ, 2027માં બી28 દોડાવવામાં આવશે. ભારતમાં નિર્મિત બી28 બુલેટ ટ્રેનની સ્પીડ હશે કલાકના 280 કિલોમીટરની. મંત્રાલયની સમિતિને સૂચિત કરવામાં આવ્યું છે કે ડિસેમ્બર, 2015માં આ યોજનાનો મૂળ ખર્ચ 97,636 કરોડ રુપિયાનો હતો, પરંતુ એના પછી પણ નિર્ધારિત ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે.
બુલેટ ટ્રેન માટે મૂળ યોજના કલાકના 350 કિલોમીટરની હતી, પરંતુ હવે એની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં હાઈ સ્પીડ નહીં, પરંતુ સેમી હાઈ સ્પીડની ટ્રેનો દોડાવાય છે, જેનો ફાયદો પ્રવાસીઓને થાય છે, પરંતુ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને સરકાર અભરાઈ પર ચઢાવી દે તો નવાઈ નહીં, એવું રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
નિર્ણય અચાનક કેમ બદલાવામાં આવ્યો
રેલવે મંત્રાલયે કહ્યું છે કે બુલેટ ટ્રેનની યોજના એક અત્યંત જટિલ અને ટેક્નિકલ યોજના છે. આ યોજનામાં જાપાન અને અન્ય દેશો પાસેથી ટેક્નોલોજી લેવા-ખરીદવાના કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે શિન્કાસેન 'E-10' શ્રેણીની બુલેટ ટ્રેન જાપાનમાં દોડાવાય છે, તેથી તેના સંબંધમાં વિસ્તૃત જાણકારી નથી, પરંતુ ભારતમા બી28 (ભારતમાં નિર્મિત બુલેટટ્રેન સેટ)નો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેંગલુરુમાં થાય છે ટ્રેનનું નિર્માણ કાર્ય
મંત્રાલયની પેનલે જણાવ્યું છે કે વૈકલ્પિક સિગ્નલિંગ સિસ્ટમ (ઈટીસીએસ એલ2 આધારિત) માટે ટેન્ડર જારી કરવામાં આવ્યા છે તેમ જ કામકાજ પણ ચાલુ કરવામાં આવ્યું છે. B28નું નિર્માણ કાર્ય હાલમાં બેંગલુરુ સ્થિત બીઈએમએલમાં ચાલી રહ્યું છે. સિવિલ, ટ્રેક, સિગ્નલિંગ અને ટેલિકોમ સંબંધિત તમામ કામકાજ પૂરા કરવાની સાથે ટ્રેનસેટ પૂરા કરવામાં આવ્યા પછી ક્યાં સુધી દોડાવાય એનું તારણ કાઢી શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રસ્તાવિત યોજનામાં કેટલો થયો વધારો
મંત્રાલયની સમિતિએ જણાવ્યું છે કે સંબંધિત રિપોર્ટમાં જે મહત્ત્વના ખર્ચની ચર્ચા કરવામાં આવી છે, જેમાં મૂળ ખર્ચમાં વધારો થયો છે. જેમ કે અંદાજિત બજેટમાં ટેક્સીસ એન્ડ સેસ (29,330 કરોડ), યુટિલિટી શિફ્ટિંગ (2,625 કરોડ) સ્ટેશન ડેવલપમેન્ટ (2,195 કરોડ), પાવર સોર્સીસ એરેન્જમેન્ટ (1,250 કરોડ), ટ્રેન અને ઈટીસીસએસ સિગ્નલિંગ સિસ્ટમ (16,500 કરોડ), ટિકિટિંગ સિસ્ટમ (283 કરોડ) તેમ જ અન્ય ફોરેસ્ટ ક્લિયરન્સથી લઈને અન્ય ખર્ચ (400 કરોડ)નો સમાવેશ થાય છે. ઉપરાંત, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મુંબઈમાં જમીનના ખર્ચ સહિત જમીનના વધતા ભાવ, પુનર્વસન સહિત પુનર્સ્થાપનનો ખર્ચ પણ વધીને 16,695 કરોડે પહોંચ્યો છે.