આજે ત્રીજી માર્ચ, 2026ના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ધૂળેટીના બરાબર એક દિવસ પહેલાં લાગવા જઈ રહેલું આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું ધાર્મિક મહત્વ અને સૂતક કાળ બંને માન્ય રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે, જેની નકારાત્મક અસરોથી બચવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. ચાલો તમને આ સ્ટોરીમાં આ વિશે જણાવીએ...
ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું? (નિષેધ)
⦁ ગ્રહણના નવ કલાક પહેલા સૂતક શરૂ થઈ જતું હોવાથી નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
⦁ ભોજન અને રાંધણ: ગ્રહણ દરમિયાન ખોરાક રાંધવો કે ખાવો અશુભ માનવામાં આવે છે.
⦁ શુભ કાર્યો: સૂતક કાળમાં કોઈ પણ નવા કે માંગલિક કાર્યોની શરૂઆત ન કરવી.
⦁ મૂર્તિ સ્પર્શ: મંદિરના દ્વાર બંધ રાખવા અને ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરવો.
⦁ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ: સોય, કાતર, છરી કે અન્ય ધારદાર સાધનોનો ઉપયોગ ટાળવો.
⦁ વ્યક્તિગત સંભાળ: ગ્રહણ દરમિયાન નખ કાપવા, વાળ કાપવા કે સૂઈ જવું પણ વર્જિત છે.
⦁ નકારાત્મકતા: આ સમયે વાદ-વિવાદ, ઝઘડા કે જૂઠું બોલવાથી બચવું, કારણ કે નકારાત્મક શક્તિઓ પ્રબળ હોય છે.
ગર્ભવતી મહિલાઓએ રાખવી આ ખાસ સાવધાની
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ પાછળ એવી માન્યતા છે કે ગ્રહણના કિરણોની ગર્ભમાં રહેલાં શિશુ પર પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત પ્રેગ્નન્ટ મહિલાઓએ આ સમયે છરીનો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુ સુધારવી કે છોલવી જોઈએ નહીં.
ગ્રહણ દરમિયાન શું કરવું?
મંત્ર જાપ: ગ્રહણના સમયમાં ગાયત્રી મંત્ર, 'ઓમ નમો નારાયણાય' અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી છે.
તુલસીના પાન: ગ્રહણ શરૂ થાય તે પહેલા દૂધ અને રાંધેલા ખોરાકમાં તુલસીના પાન નાખી દેવા જોઈએ, જેથી તે દૂષિત ન થાય.
માનસિક પૂજા: મૂર્તિ સ્પર્શને બદલે ઈષ્ટદેવનું ધ્યાન અને માનસિક પૂજા કરવી.
ગ્રહણ બાદ શુદ્ધિકરણ અને દાન
ગ્રહણ સમાપ્ત થયા પછી અહીં નીચે જણાવવામાં આવેલી વિધિઓ અવશ્ય કરવી જોઈએ.
⦁ સ્નાન: ગ્રહણ મુક્તિ પછી તરત જ સ્નાન કરવું જોઈએ.
⦁ શુદ્ધિકરણ: આખા ઘરમાં ગંગાજળ છાંટવું અને ભગવાનની મૂર્તિઓને પવિત્ર જળથી સ્નાન કરાવવું.
⦁ દાનનું મહત્વ: બીજા દિવસે સવારે અનાજ, વસ્ત્ર, તલ અથવા ફળોનું યથાશક્તિ દાન કરવું. રાશિ મુજબ દાન કરવાથી ગ્રહણના દોષ દૂર થાય છે.