Fri Jun 19 2026

Logo

દેશભરમાં પ્રેમ પ્રકરણને લગતી હત્યાઓમાં ગુજરાત ટોપ પર, ગુજરાતમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ ચિંતાજનક

2026-05-08 12:05:00
Author: Mayur Kumar Patel
Article Image

AI Image


* ઘટના 1: મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિને એક ચકચાર મચાવતો હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કડી તાલુકાના આદુંદરા ગામના 20 વર્ષીય યુવક સની પ્રવીણભાઈ રાવળની પ્રેમ પ્રકરણના મનદુઃખમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. પત્નીના પ્રેમીનો કાંટો કાઢવા માટે પતિએ જ પોતાના ભાઈ અને ભત્રીજા સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું.

* ઘટના 2: દ્વારકાના ખંભાળિયાના રામનગર ગામમાં થોડા દિવસો પહેલાં 25 વર્ષીય જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડાની લોખંડના સળિયા અને બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણ અથવા કોઈ છોકરીના વિવાદને લઈને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં બે મહિલાઓ આરોપી સામેલ હોવાનું પણ સામે આવ્યું હતું.

* ઘટના 3:  આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે પેટ્રોલ પંપ નજીકથી ગત 16મી એપ્રિલના રોજ મળી આવેલી 38 વર્ષીય યુવકની લાશના કેસમાં પોલીસે સફળતા મેળવી હતી. સોજીત્રા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખી મુખ્ય સૂત્રધાર પતિ અને તેના મિત્રની ધરપકડ કરી હતી. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

* ઘટના 4 : તાજેતરમાં વડોદરાના અંકોડિયા વિસ્તારમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. જેમાં પ્રેમમાં શંકા રાખીને એક પ્રેમીએ જ તેની પ્રેમિકાની નિર્મમ હત્યા કરી હતી. મૃતક યુવતી ૩ મેના ઘરેથી મહેંદી મુકાવવા જવાનું કહીને નીકળી હતી, પરંતુ મોડે સુધી પરત ન ફરતા અને ફોન બંધ આવતા પરિવારે શોધખોળ આદરી હતી. મૃતદેહ પાસે પડેલી એક ચાદર અને તેના પર રહેલો ડી-માર્ટની ટેગ પોલીસ માટે સૌથી મોટી કડી સાબિત થઈ હતી.

અમદાવાદઃ દેશભરમાં પ્રેમ પ્રકરણને લગતી હત્યાઓમાં ગુજરાત ટોપ પર છે. ગુજરાતમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં આ ચોંકાવનારી વિગત સામે આવી હતી.  

વર્ષ 2024માં  ગુજરાતમાં દેશના સૌથી વધુ ગુનાઓ નોંધાયા હતા,  વર્ષ દરમિયાન 6.15 લાખથી વધુ ગુનાઓ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 'ક્રાઈમ ઇન ઇન્ડિયા 2024' ના તાજેતરના અહેવાલમાં વધતા જતા શહેરી ગુનાઓ, સાયબર ફ્રોડ અને પ્રેમ પ્રકરણોને કારણે થતી હત્યાઓની આઘાતજનક વિગતો રજૂ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ, પ્રેમ પ્રકરણને કારણે થતી હત્યાઓમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. વર્ષ 2024 માં રોમેન્ટિક સંબંધો, ગેરકાયદેસર સંબંધો અથવા સંબંધોના વિવાદોને કારણે કુલ 144 હત્યાના કેસો નોંધાયા હતા, જેના પરથી અંગત વિવાદો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા હોવાનું તારણ સામે આવ્યું હતું.

વધતી જતી ગુનાખોરી છતાં, ગુજરાત પોલીસ તપાસના મામલે દેશમાં મોખરે રહી હતી. રાજ્યમાં ચાર્જશીટ ફાઇલ કરવાનો દર 97.2 ટકા રહ્યો હતો. જે દર્શાવે છે કે પોલીસે લગભગ દરેક નોંધાયેલા કેસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. NCRB ના ડેટા મુજબ, ગુજરાતમાં કુલ 6,15,407 કોગ્નિઝેબલ ગુનાઓ નોંધાયા હતા. ગુજરાતનો ગુનાખોરીનો દર પ્રતિ લાખ વસ્તીએ 847 કેસ રહ્યો હતો, જે રાષ્ટ્રીય સરેરાશ 418.9 કરતા લગભગ બમણો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાને કારણે ગુનાઓની સંખ્યામાં વધારો થયો હતો. માત્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ જ વર્ષ દરમિયાન 43,637 ગુનાઓ નોંધાયા હતા.

અમદાવાદ કરતા સુરતમાં ગુનાખોરી વધુ

રાજ્યના મોટા શહેરોમાં, સુરતનો ક્રાઈમ ગ્રાફ અમદાવાદ કરતા ઘણો વધારે જોવા મળ્યો હતો. વર્ષ 2024માં સુરતમાં 63,166 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે અમદાવાદમાં 49,250 કેસ નોંધાયા હતા. ગંભીર ગુનાઓમાં પણ સુરત અમદાવાદ કરતા આગળ કહ્યું હતું. ડાયમંડ સિટી સુરતમાં 85 હત્યા અને 40 બળાત્કારના કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 62 હત્યા અને 31 બળાત્કારના કેસ નોંધાયા છે.

મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુના

NCRB ના અહેવાલમાં ગુજરાતમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં 2024 માં મહિલાઓ વિરુદ્ધના કુલ 7,606 ગુના નોંધાયા હતા. સૌથી ચિંતાજનક બાબત પોક્સો એક્ટ હેઠળ જોવા મળી હતી, જેમાં 97.9 ટકા કેસોમાં આરોપીઓ બાળક અથવા પીડિતના પરિચિત હોવાનું બહાર આવ્યું હતું.

સાયબર ક્રાઈમમાં ઉછાળો

સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમના કેસોમાં 17.9 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં પણ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, AI-જનરેટેડ ઓળખની ચોરી અને બેંકિંગ ફ્રોડમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભલે પોલીસની તપાસની ક્ષમતા અને ચાર્જશીટનો દર ઊંચો રહ્યો હોય, પરંતુ સંબંધોમાં થતી હિંસા, સાયબર ફ્રોડ અને પરિવાર કે પરિચિતો દ્વારા થતા ગુનાઓ ગુજરાત માટે મોટા પડકારો બની રહ્યા છે.