અમિત ત્રિવેદી
થોડા દિવસ પહેલાં મારા એક મિત્રનો ફોન આવ્યો. તે પોતાના રોકાણના ખાસ કરીને ઇક્વિટી કે શૅરબજારમાં કરેલા રોકાણ ઘટતા મૂલ્યને લઈને ખૂબ ચિંતિત હતો. બે વર્ષથી વધુ સમય સુધી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા હોવા છતાં પોર્ટફોલિયો ખોટમાં દેખાતો હતો. તેથી તેણે મને પૂછ્યું કે શું તેણે આ ઇક્વિટી- મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ જાળવી રાખવું જોઈએ? શું તેણે પોતાની એસઆઈપી (SIP) ચાલુ રાખવી જોઈએ કે બંધ કરી દેવી?
ચર્ચા દરમિયાન તેણે એ વાત પર ભાર મૂક્યો કે અચાનક આવી પડેલા કેટલાક ખર્ચા માટે તેને તાત્કાલિક પૈસાની જરૂર છે. હવે આવી પરિસ્થિતિમાં તો કોઈ દલીલને સ્થાન જ નથી રહેતું. જ્યારે ઘરમાં કે જીવનમાં અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે રોકાણમાંથી પૈસા પાછા ખેંચવા જ પડે છે.
અમારી વાતચીત આગળ વધી ત્યારે તેણે પૂછ્યું, ‘શું હું PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) કે NSC (નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ) જેવા સુરક્ષિત વિકલ્પોમાં રોકાણ કરવાનું વિચારું?’ મેં તેને સમજાવ્યું કે આ બંને ખૂબ જ ઉત્તમ અને સુરક્ષિત વિકલ્પ છે, પરંતુ ત્યાં પૈસા રોકતાં પહેલાં લિક્વિડિટી (નાણાંની તરલતા કે ઉપાડવાની સરળતા) ખાસ ધ્યાનમાં લેવી પડે, કારણ કે આ સરકારી યોજનાઓમાં પૈસા અમુક ચોક્કસ સમય માટે લૉક થઈ જાય છે. આ સાંભળીને તેણે તરત જ કહ્યું કે અત્યારે તો તેને કોઈ તાત્કાલિક પૈસાની જરૂર નથી અને તે લાંબા સમય સુધી પૈસા લૉક કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે!
હવે જરા આખી વાતનો વિરોધાભાસ સમજો: જ્યારે શૅરબજાર ઘટ્યું અને ઇક્વિટી પોર્ટફોલિયો નીચે આવ્યો ત્યારે તેને અચાનક ‘ઇમર્જન્સી’ ખર્ચ માટે લિક્વિડિટીની જરૂર ઊભી થઈ, પરંતુ બીજી જ ક્ષણે તે જ વ્યક્તિ પોતાના પૈસા વર્ષો સુધી લૉક-ઇનવાળી યોજનાઓમાં રોકવા તૈયાર હતો...!
વાસ્તવિકતા એ છે કે અહીં નિર્ણય પૈસાની સાચી જરૂરિયાત (લિક્વિડિટી) આધારે નહીં, પરંતુ બજારના ઘટાડાથી પેદા થયેલા ‘ડર’ અને ‘ચિંતા’ના કારણે લેવાઈ રહ્યો હતો. હા, એ ખરું કે પોતાના મહેનતના પૈસાનું મૂલ્ય ઘટતું જોવું એ કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ દુ:ખદાયક હોય છે, પરંતુ નાણાકીય નિર્ણયો ડર કે ભાવનાઓમાં આવીને ન લેવા જોઈએ. તેના બદલે પરિસ્થિતિનું શાંતિથી અને યોગ્ય વિશ્ર્લેષણ કરીને આગળ વધવું જોઈએ.
શૅરબજારનાં જોખમો ઝીલવા માટે તમે સક્ષમ છો કે નહીં તે જાણવા માટે તમારી આર્થિક સ્થિતિ સમજો અને આ મહત્ત્વના પ્રશ્ર્નોના જવાબ મેળવો, જેમકે
શું તમારી પાસે નિયમિત આવક છે?
- આ આવક તમારી નોકરીના પગાર, વ્યવસાય કે પછી રોકાણમાંથી મળતા ડિવિડન્ડ, વ્યાજ કે ઘરના ભાડા દ્વારા હોઈ શકે છે.
- શું આ આવક લાંબા સમય સુધી નિયમિત અને ટકી રહે તેવી છે?
* ઇમર્જન્સી ફંડ: જો આ મુખ્ય આવક અચાનક બંધ થઈ જાય, તો તમારી પાસે આગામી 6થી 12 મહિના માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કે કટોકટી ફંડ છે?
* દેવાની ચુકવણી: શું તમે તમારી જૂની લોન કે અન્ય જવાબદારીઓની સમયસર ચુકવણી માટે યોગ્ય આયોજન કર્યું છે?
* વીમાનું કવચ: શું તમારી પાસે અને તમારા પરિવાર પાસે પૂરતો હેલ્થ ઇન્સ્યુરન્સ (આરોગ્ય વીમો) અને લાઇફ ઇન્સ્યુરન્સ છે?
* રોકાણની સમયમર્યાદા: શું તમે ઇક્વિટીમાં રોકેલા પૈસાને અડ્યા વગર તમારું રોજિંદું જીવન આરામથી જીવી શકો છો? જો તમને આગામી પાંચથી સાત વર્ષમાં આ પૈસાની જરૂર પડવાની હોય તો ઇક્વિટીમાં રોકાણ કરતી વખતે વધુ સાવચેત રહો.
ટૂંકમાં, શૅરબજારમાં વધઘટ અને જોખમ રહેલું જ છે, તેથી નાના અને સામાન્ય રોકાણકારોએ સમજી-વિચારીને રોકાણ કરવું જોઈએ. જોકે એ પણ એટલું જ સાચું છે કે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા માટે ઇક્વિટી એવું બહેતર માધ્યમ છે જેને કોઈ પણ રોકાણકાર નજરઅંદાજ કરી શકે નહીં અને એ કરવું પણ ન જોઈએ.