રૉઝેરિયો (આર્જેન્ટિના): આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર, 2022ના ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન અને 2026ના વિશ્વ કપના રનર-અપ સુકાની લિયોનેલ મેસીના પિતા ઝોર્ઝ (Jorge) મેસીનું લાંબા સમય સુધી ગંભીર બીમારી સામે લડ્યા બાદ શનિવારે અહીંની હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 68 વર્ષના હતા.
પિતાની દીર્ઘદૃષ્ટિએ પુત્રને ફૂટબોલર બનાવ્યો
લિયોનેલ મેસી (Messi)ને વિશ્વવિખ્યાત ફૂટબૉલ ખેલાડી બનાવવામાં પિતા ઝોર્ઝ મેસીનું બહુ મોટું યોગદાન હતું. તેઓ લિયોનેલ મેસીના માર્ગદર્શક હતા. પુત્ર માટે ઝોર્ઝ મેસી રોલ મૉડલ હતા તેમ જ પુત્રના પ્રોફેશનલ ફૂટબૉલમાં તમામ મોટા કૉન્ટ્રૅક્ટ તેમણે જ પાર પાડ્યા હોવાથી તેઓ પુત્રના મુખ્ય એજન્ટ હતા, તેની સૉકર કરીઅરના બિઝનેસ કૉન્ટ્રૅક્ટને મૅનેજ કરતા હતા તેમ જ પુત્રને અનેક નાની-મોટી બાબતોમાં નિર્ણય લેવામાં સહાયક તરીકેની ભૂમિકા પણ તેમણે ભજવી હતી.
પિતાના અસાધારણ સાથ-સહકાર થકી જ લિયોનેલ મેસી વિશ્વનો સર્વશ્રેષ્ઠ અને સૌથી સફળ ફૂટબૉલ ખેલાડી બની શક્યો. ટૂંકમાં, લિયોનેલ મેસી માટે તેમણે તેની શાનદાર કરીઅરમાં શરૂઆતથી પાયારૂપ ભૂમિકા ભજવી હતી. પિતાની દીર્ઘદૃષ્ટિ અને સમજબૂઝનો પુત્ર લિયોનેલને ઘણો લાભ મળ્યો હતો.
મેસી ભૂતકાળમાં બાર્સેલોના, પીએસજી ક્લબ વતી રમ્યો હતો અને હાલમાં ઇન્ટર માયામી ક્લબ સાથે જોડાયેલો છે. આ ત્રણેય ક્લબ સાથેના મેસીના કૉન્ટ્રૅક્ટ તેના પિતાએ જ પાર પાડ્યા હતા. એટલું જ નહીં, પુત્ર લિયોનેલના ઇમેજ રાઇટ્સને લગતું કામકાજ તેમણે સંભાળ્યું હતું તેમ જ પુત્ર વતી રિયલ એસ્ટેટ, હૉટેલ તથા રેસ્ટોરાંમાં કરોડો ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કામ પણ તેમણે જ પાર પાડ્યું હતું.

વર્લ્ડ કપમાં ગોલ બાદ મેસી રડ્યો હતો
તાજેતરના ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની પ્રથમ મૅચ અલ્જિરિયા સામે રમાઈ હતી જેમાં મેસીએ હૅટ-ટ્રિક ગોલ કર્યા હતા. એમાંનો પ્રથમ ગોલ કર્યા પછી મેસી મેદાન પર ભાવુક થઈ ગયો હતો. પછીથી તેણે પત્રકારોને એટલું જ કહ્યું હતું કે `હું એક એવી વાત પર ભાવુક થઈ ગયો હતો જે વાત ફૂટબૉલને લગતી નહોતી.'
મેસીના ફૂટબૉલ ચાહકોને પછીથી જાણવા મળ્યું હતું કે મેસીના પિતાની તબિયત ત્યારે નાજુક હતી અને મૅચ પહેલાં તેને એ વિશેની જાણ થઈ હોવાથી તે ગોલ કર્યા બાદ રડી પડ્યો હતો.
મેસીના પિતા સૉકર પ્લેયર અને ટેક્નિશ્યન હતા
લિયોનેલ મેસીના પિતા ઝોર્ઝ મેસી કેમિકલ ટેક્નિશ્યન હતા. તેમણે એક કંપનીમાં સ્ટીલવર્કર તરીકે નોકરી કરી હતી. તેઓ સૉકર પ્લેયર પણ હતા. તેઓ મિડફીલ્ડર તરીકે રમતા હતા, પરંતુ આર્જેન્ટિનામાં લશ્કરી તાલીમ ફરજિયાત હોવાથી તેમણે યુવાન વયે એ તાલીમને લીધે ફૂટબૉલ રમવાનું છોડી દીધું હતું. જોકે પુત્ર લિયોનેલને તેમણે વિશ્વનો અવ્વલ દરજ્જાનો ફૂટબૉલ ખેલાડી બનાવ્યો.