Wed Sep 02 2026

Logo

મેસીએ રોનાલ્ડો કરતાં નાની ઉંમરે અને 100 ઓછી મૅચ રમીને 900 ગોલની સિદ્ધિ મેળવી

Fort Lauderdale   2026-03-19 17:20:07
Author: Ajay Motiwala
મેસીએ રોનાલ્ડો કરતાં નાની ઉંમરે અને 100 ઓછી મૅચ રમીને 900 ગોલની સિદ્ધિ મેળવી

ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): ફિફા વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન અને પ્રતિષ્ઠિત બલોં ડિઑર પુરસ્કાર આઠ વખત જીતી ચૂકેલો આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી (Messi) કરીઅરમાં 900મા ગોલની સિદ્ધિ હાંસલ કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo) પછીનો બીજો ફૂટબોલર બન્યો છે અને નવાઈની વાત એ છે કે મેસીએ (આંતરરાષ્ટ્રીય તથા ક્લબ ફૂટબૉલમાં) કુલ 900 ગોલ (900 Goals)ની ઉપલબ્ધિ રોનાલ્ડો કરતાં ઓછી ઉંમરે અને તેનાથી 100 ઓછી મૅચમાં મેળવી છે.

બુધવારે રાત્રે કૉન્કેકેફ ચૅમ્પિયન્સ કપમાં નૅશવિલ સામેની મૅચમાં ઇન્ટર માયામીના મેસીએ શરૂઆતમાં જ (સાતમી મિનિટમાં) ગોલ કરીને પોતાના કુલ ગોલની સંખ્યાને 900 ઉપર પહોંચાડી હતી. તે અમેરિકાની મેજર લીગ સૉકર (એમએલએસ) ટૂર્નામેન્ટમાં સતત બીજા વર્ષે મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયર (એમવીપી)નો અવૉર્ડ જીત્યો છે.

મેસીએ બુધવારની મૅચમાં સાતમી મિનિટ શરૂ થઈ ત્યાં તો બૉલને પોતાના કબજામાં લઈ લીધો હતો અને નીચા શૉટમાં નૅશવિલના ડિફેન્ડર્સની દિવાલને ભેદીને બૉલ ગોલપોસ્ટની એક કૉર્નરમાંથી અંદર મોકલી દીધો હતો.

રોનાલ્ડો 41 વર્ષનો છે. આખી કરીઅરમાં તેણે કુલ 965 ગોલ કર્યા છે. તેણે 900મો ગોલ 2024ની સાલમાં 39 વર્ષની ઉંમરે કર્યો હતો. મેસી 38 વર્ષનો છે અને તેણે રોનાલ્ડો કરતાં નાની ઉંમરે 900મા ગોલની સિદ્ધિ મેળવી છે.