અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં ચિત્તાનું આગમન થશે. જે બાદ રાજ્યમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેયની હાજરી જોવા મળશે. રાજ્યમાં ચિત્તાને લાવવા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ મંજૂરી આપી છે. NTCA દ્વારા બોત્સ્વાનાથી કુનો નેશનલ પાર્ક લાવવામાં આવેલા ત્રણ ચિત્તાઓને કચ્છના બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં છોડવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય, આ વર્ષના અંતમાં કેન્યાથી વધુ ચાર ચિત્તાઓઆવે તેવી સંભાવના છે.
ક્યાં કરવામાં આવ્યા છે ક્વોરેન્ટાઈન
સૂત્રોએ જણાવ્યું હતું કે, બે માદા અને એક નર સહિત ત્રણેય ચિત્તાઓને કુનો ખાતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ તેમને કચ્છ લાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ ત્રણેય ચિત્તાઓ ચોમાસા પહેલા અથવા ચોમાસાની સિઝન પૂરી થયા પછી તરત જ આવી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ક્યાં સુધીમાં આવશે ચિત્તાઓ
NTCA અને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓએ બન્ની ખાતે ચિત્તાઓની નસ્લ મિશ્રિત કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં બોત્સ્વાના અને કેન્યા બંને દેશોના ચિત્તાઓ સાથે રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, માર્ચ મહિનામાં રાજ્યની મુલાકાતે આવેલી NTCAની ટીમે કેન્યાના ચિત્તાઓને બન્ની લાવવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. બે નર-માદાની જોડી સહિતના આ ચિત્તાઓ હવે આ વર્ષના અંત સુધીમાં આવે તેવી અપેક્ષા છે.
ગુજરાત બનશે ચિત્તાઓનું બીજું ઘર
સૂત્રોએ ઉમેર્યું કે NTCA દ્વારા કુનો ખાતે એક વિશેષ ક્વોરેન્ટાઇન સુવિધા તૈયાર કરવામાં આવી છે. તેથી, ગુજરાત લાવવામાં આવનારા તમામ ચિત્તાઓને સ્થળાંતર કરતા પહેલા ક્વોરેન્ટાઇન માટે કુનો લાવવામાં આવશે. આ પગલાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક પછી ગુજરાત ભારતમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. પ્રથમ બેચના આગમનના એક વર્ષની અંદર બન્નીમાં કુલ 12 ચિત્તાઓ લાવવાનું આયોજન છે.
બન્ની ખાતે આવેલી આ સુવિધા દેશનું સૌપ્રથમ ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર છે. તેનો 500 હેક્ટરનો મુખ્ય એન્ક્લોઝર કેન્યાના સવાન્ના જેવા ખુલ્લા પર્યાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જે ચિત્તાઓને અહીંના વાતાવરણમાં ઢળવામાં અને તેમના પ્રજનન માટે અત્યંત સાનુકૂળ રહેશે. સૂત્રોના કહેવા પ્રમાણે, આ મોટા એન્ક્લોઝર મોડેલનો ગુજરાતના દેવળિયા સફારી પાર્કમાં શાનદાર અનુભવ છે. ત્યાં સિંહ સંરક્ષણ સંવર્ધન માટે વિશાળ સુરક્ષિત જગ્યાનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
બન્ની જ કેમ શ્રેષ્ઠ પસંદગી?
સૂત્રોએ જણાવ્યું કે, નામિબિયાના ચિત્તાઓ ખાનગી ખેતરો અને સૂકા, છૂટાછવાયા વિસ્તારોમાં હરવા-ફરવા ટેવાયેલા હોય છે. કચ્છના આ વિસ્તારમાં ચિત્તા માટે પૂરતી જગ્યા છે, જે આટલી ઝડપ અને લાંબા અંતરની દોડ માટે જાણીતી પ્રજાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, એકવાર આ કેન્દ્રમાં ચિત્તાઓનું સફળ પ્રજનન થઈ જાય, ત્યારપછી તેમને કચ્છના ખુલ્લા વિસ્તારોમાં મુક્તપણે છોડવામાં આવે તેવી શક્યતા છે. જો કે, આ અંગેનો આખરી નિર્ણય NTCA દ્વારા જ લેવામાં આવશે.