વિદેશ પ્રવાસનો શોખ કોને ન હોય અને એમાં પણ ખાસ કરીને ઈટલી જેવા સુંદર દેશમાં ફરવાનું સપનું ઘણાનું હોય છે. પરંતુ જો અમે તમને કહીએ કે ભારતમાં જ એક એવું શહેર છે જે તમને ઈટલીની યાદ અપાવશે, તો? મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું લવાસા (Lavasa) શહેર તેના અદભૂત સ્થાપત્ય અને કુદરતી સુંદરતાને કારણે 'ભારતનું ઈટલી' તરીકે ઓળખવામાં આવે છે.
લવાસાને શા માટે કહેવાય છે ઈન્ડિયાના ઈટલી વિશે વાત કરીએ તો લવાસા એક પ્લાન્ડ સિટી (આયોજિત શહેર) છે, જેની ડિઝાઈન ઈટલીના પ્રખ્યાત દરિયાકાંઠાના શહેર પોર્ટોફિનો (Portofino) પર આધારિત છે. અહીં તળાવના કિનારે આવેલી રંગબેરંગી ઈમારતો અને યુરોપિયન સ્ટાઈલના મકાનો તમને ક્ષણભર માટે એવો અનુભવ કરાવશે કે તમે યુરોપમાં છો.
પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું આ શહેર મુલશી ડેમના કિનારે વસેલું છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. લેકસાઈડ પ્રોમેનેડ તળાવના કિનારે ચાલવું એ અહીંનો શ્રેષ્ઠ અનુભવ છે. અહીં ઘણી બધી રેસ્ટોરન્ટ્સ અને કાફે આવેલા છે. આ સિવાય પર્યટકો અહીં બોટિંગ, જેટ સ્કીઈંગ અને કાયાકિંગ જેવી વોટર એક્ટિવિટીઝનો આનંદ માણી શકે છે.
લવાસાની મુલાકાત વખતે નજીકમાં આવેલો આ વિશાળ ડેમ પણ એકદમ જોવા જેવો છે. આ સિવાય એડવેન્ચર લવર્સ ટુરિસ્ટ લવાસા આવીને ટ્રેકિંગ, હાઈકિંગ અને રેપેલિંગનો આનંદ ઉઠાવી શકે છે.
લવાસાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ચોમાસું અને શિયાળો એટલે કે ઓગસ્ટથી માર્ચ મહિના સુધીનો છે. ચોમાસામાં અહીંની હરિયાળી ખીલી ઉઠે છે અને વાદળો પહાડોને અડીને પસાર થાય છે, જે દ્રશ્ય અત્યંત મનોહર હોય છે. પુણેથી લવાસાનું અંતર આશરે 60 કિમી અને મુંબઈથી આશરે 190 કિમી છે. જો તમે વીકેન્ડમાં શાંતિ અને સુંદરતાની શોધમાં હોવ, તો 'ભારતનું ઈટલી' તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
છે ને એકદમ અનોખી માહિતી? હવે જ્યારે પણ વીકએન્ડ પર મુંબઈ નજીક કોઈ ડેસ્ટિનેશન શોધી રહ્યા હોવ તો ચોક્કસ જ આ મિત્ર અને પરિવારના સભ્યો સાથે આ માહિતી ચોક્કસ શેર કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.