Wed Aug 19 2026

Logo

રણપ્રદેશ કચ્છના સીમાડાઓમાં ઘાસ ખૂટતાં પશુધનના નિભાવ માટે માલધારીઓમાં ચિંતા: ખેતરો બન્યા સહારો

2026-03-17 12:56:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાએ પોતાનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. વધતા જતા તાપમાનની સાથે જ સીમાડાઓમાં જળ સ્ત્રોતો સુકાઈ રહ્યા છે અને ઘાસચારો ખૂટી જતાં માલધારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભે જ પશુપાલકો માટે પાણી અને ચારાની સ્થિતિ વિકટ બનતા પશુઓના નિભાવનો પ્રશ્ન ગંભીર બન્યો છે. 

કચ્છના 'બારડોલી' તરીકે ઓળખાતા નખત્રાણા પંથક સહિત નેત્રા વિસ્તારમાં મોટી સંખ્યામાં દુધાળા પશુઓ છે. હાલમાં ગૌચર અને સીમાડાઓમાં ઘાસચારો સંપૂર્ણપણે સુકાઈ ગયો છે, વળી ગૌચરની જમીનો પર થયેલા આડેધડ દબાણોને કારણે ચરિયાણ માટેની જગ્યાઓ ઘટી રહી છે. આ કપરી પરિસ્થિતિમાં માલધારીઓએ હવે ખેતરો ભણી પ્રયાણ કર્યું છે. હાલ રવી પાક (શિયાળુ પાક) જેવા કે ઘઉં અને રાયડાની લણણી પૂર્ણ થઈ હોવાથી, માલધારીઓ પોતાના ગાય, ભેંસ અને ઘેટાં-બકરાના ઝૂંડ સાથે ખેતરોમાં પડાવ નાખી રહ્યા છે. 

પાકની કાપણી બાદ બચેલા અવશેષો અને કુદરતી રીતે ઊગેલું ઘાસ હાલ પશુઓ માટે મુખ્ય ખોરાક બની રહ્યો છે. ખેડૂતો પણ માલધારીઓને ખેતરમાં 'ભેલાણ' (પશુઓને ચરાવવા) માટે છૂટ આપે છે. આ પ્રક્રિયા પાછળ એક મહત્વનું કારણ જમીનની ફળદ્રુપતા પણ છે. શિયાળુ પાક લીધા બાદ અને ચોમાસુ વાવેતર પહેલા જમીનને તપાવવા માટે ખેતરો ખાલી રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પશુઓ ખેતરમાં રહેવાથી તેમના મળ-મૂત્ર દ્વારા જમીનને નૈસર્ગિક ખાતર મળે છે, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે.

સ્થાનિક માલધારી હરિભાઈ રબારીના જણાવ્યા અનુસાર, હાલમાં ટાંકા અને અવાડાઓ દ્વારા પીવાનું પાણી તો મળી રહે છે, પરંતુ મુખ્ય સમસ્યા ઘાસચારાની છે. માલધારીઓ ચિંતિત છે કે જો માર્ચ મહિનામાં જ આવી સ્થિતિ હોય, તો એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં પશુઓને જીવાડવા કેમ? સીમાડામાં ઘાસના અભાવે ખેતરોનો આશરો કેટલા સમય સુધી ચાલશે તે પણ એક મોટો પ્રશ્ન છે તેમ હરિભાઈએ ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)