ભુજઃ પશ્ચિમી વિક્ષોભની અસર ઓસરી જતાં કચ્છમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેને પગલે જિલ્લામાં ત્રણ દિવસ માટે ગરમીનું ‘યેલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાતા વેગીલા વાયરાને કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું હતું અને ગરમીમાં આંશિક રાહત હતી. જોકે, આજથી પવનની ગતિ ૧૦થી ૧૫ કિમી પ્રતિ કલાકની આસપાસ મંદ પડતા તાપે પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભુજ અને કંડલા (એરપોર્ટ)માં મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન સાથે કચ્છના આ બંને શહેરો રાજ્યના ચોથા ક્રમના સૌથી ગરમ મથકો તરીકે નોંધાયા હતા.માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. જિલ્લામાં લઘુતમ પારો ૨૩થી ૨૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે સ્થિર થતાં રાત્રિ દરમિયાન અનુભવાતી ગુલાબી ઠંડક હવે ગાયબ થઈ રહી છે અને તેને સ્થાને બફારો વધ્યો છે.
હવામાન નિષ્ણાતોના મતે, આકાશ સ્વચ્છ થતા સૂર્યના કિરણોની સીધી અસર અને પવનોની દિશામાં ફેરફારને કારણે હજુ પણ ગરમીનું જોર વધશે. આગામી ૭૨ કલાક કચ્છવાસીઓ માટે અકળાવનારા બની રહેશે, જેથી બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઈડ્રેશન જાળવી રાખવા તકેદારીના ભાગરૂપે સૂચન કરવામાં આવ્યું છે.
દરમ્યાન,હાલમાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક સત્રાંત પરીક્ષાઓ ચાલી રહી છે. ખાસ કરીને બપોરની પાળીમાં પરીક્ષા આપવા જતાં નાનાં ભૂલકાઓ માટે આ આકરો તાપ આફત સમાન સાબિત થઈ રહ્યો છે. ધોમધખતા તાપમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં અને વર્ગખંડોમાં પરીક્ષા આપતી વખતે અસહ્ય ઉકળાટને કારણે વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)