ભુજઃ આસો નવરાત્રિ મહોત્સવના વિધિવત્ પ્રારંભ પૂર્વે જ કચ્છના કુળદેવી આઈ મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે માઇભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. માતાના મઢે શીશ નમાવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માંડવીના રમણીય દરિયાકાંઠા તેમજ ઐતિહાસિક ટોપણસર તળાવ સહિતના સ્થળોએ ઉમટી પડતાં નવરાત્રિ પહેલાં જ આ ભાતીગળ પ્રદેશમાં દિવાળી જેવો ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યભરમાંથી અન્ય વાહનો તેમજ મોટરસાઇકલ લઈને આવતા પ્રવાસીઓના ધસારાથી માંડવીના મુખ્ય માર્ગો અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ ધમધમી ઊઠ્યાં છે. બહારથી આવતા સહેલાણીઓના પગલે સ્થાનિક ખાણીપીણી, હસ્તકળા અને પરિવહન સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓમાં તેજીનો માહોલ સર્જાયો છે.
છેક વડોદરાથી એડવેન્ચર ટૂરર મોટરસાઇકલ પર કચ્છ પ્રવાસે આવેલા હિમાંશુ પરમારે જણાવ્યું હતું કે, માતાના મઢે આશાપુરા માતાજીના દર્શન કર્યા બાદ તેઓ નારાયણ સરોવર અને માંડવી બીચની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારબાદ અંજાર સ્થિત ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિનાં દર્શન કરી પરત ફરશે. તેમણે ઉમેર્યું કે, કચ્છના ધાર્મિક પ્રવાસ સાથે માંડવીના દરિયાકિનારાની મુલાકાતનો અનુભવ અત્યંત રોમાંચક રહ્યો છે.
દરિયાકાંઠે પ્રવાસીઓની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. સહેલાણીઓની અવરજવર સુગમ રહે અને શાંતિ-સુરક્ષા જળવાઈ રહે તે માટે બીચ સહિતના પોઇન્ટ્સ પર જરૂરી પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ભારે ભીડની આડમાં દરિયાકાંઠાના કેટલાક નિર્જન કે અવાવરુ વિસ્તારોમાં નશાબંધી ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માથું ઊંચકી રહી હોવાની ચર્ચાઓ પણ સ્થાનિક સ્તરે ઊઠી છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે પ્રવાસન સ્થળોની પવિત્રતા, સ્વચ્છતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે.
(ઉત્સવ વૈદ્ય)