Sat Oct 10 2026

Logo

માતાના મઢ દર્શન કરી પરત ફરતાં વધુ એક શ્રદ્ધાળુને કાળ ભેટ્યો: ધાણેટી નજીક ટ્રકે એક્ટિવાને કચડતાં મોરબીની ૨૩ વર્ષીય પરિણીતાનું મોત...

2026-10-10 15:46:58
Author: Mayur Patel
માતાના મઢ દર્શન કરી પરત ફરતાં વધુ એક શ્રદ્ધાળુને કાળ ભેટ્યો: ધાણેટી નજીક ટ્રકે એક્ટિવાને કચડતાં મોરબીની ૨૩ વર્ષીય પરિણીતાનું મોત...

ભુજ:  આસો નવરાત્રિ પર્વ નિમિત્તે કચ્છના કુળદેવી આઈ મા આશાપુરાના ધામ માતાના મઢ દર્શનાર્થે આવતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ પર કાળનો પંજો યથાવત્ રહ્યો છે. માતાના મઢ દર્શન કરી પરિવાર સાથે પરત ફરી રહેલી મોરબીની ૨૩ વર્ષીય પરિણીતાને ભુજ તાલુકાના ધાણેટી નજીક સર્વિસ રોડ પર ટ્રકે કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર દુર્ઘટનામાં મૃતકના ભાઈને ઈજાઓ પહોંચી હતી, જ્યારે પરિણીતાના ત્રણ વર્ષના માસૂમ પુત્રનો આબાદ ચમત્કારિક બચાવ થયો હતો.

બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતી બિનલબેન દીપકભાઈ મિયાત્રા (ઉ.વ. ૨૩) નવરાત્રિ પૂર્વે પોતાના ભાઈ કેવિન અને ત્રણ વર્ષના પુત્ર સાથે માતાના મઢ દર્શન કરવા આવી હતી. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ્યા બાદ આ પરિવાર એક્ટિવા મોટરસાઈકલ પર સવાર થઈ પોતાના વતન પરત ફરી રહ્યો હતો.

દરમિયાન, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ધાણેટી ગામ નજીક સર્વિસ રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. એક્ટિવા ભાઈ કેવિન હંકારી રહ્યો હતો, જ્યારે બિનલબેન પોતાના ત્રણ વર્ષના પુત્રને ખોળામાં બેસાડીને પાછળ સવાર હતી. તે વેળાએ આગળ જઈ રહેલી એક ટ્રકના ચાલકે કોઈપણ પ્રકારના સિગ્નલ કે ધ્યાન રાખ્યા વિના અચાનક જ પોતાનું વાહન ડાબી સાઈડમાં દબાવી દીધું હતું.

અચાનક ટ્રક ડાબી બાજુ વળતાં પાછળ આવી રહેલું એક્ટિવા તેની અડફેટે આવી ગયું હતું. આ જોરદાર ટક્કરમાં બિનલબેન નીચે પટકાતાં ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ ગઈ હતી, જેના પરિણામે શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ, વાહનચાલક ભાઈ કેવિનને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે માતાના ખોળામાં રહેલા ત્રણ વર્ષના માસૂમ બાળકનો આ ભયાનક અકસ્માતમાં ચમત્કારિક રીતે જીવ બચી ગયો હતો.

અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને બેદરકારીપૂર્વક વાહન હંકારી મહિલાનો જીવ લેનાર ટ્રકચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દર્શન કરી પરત ફરતી વેળાએ જ પરિણીતાનું મોત નીપજતાં મોરબી સ્થિત પરિવારમાં ભારે શોક અને અરેરાટીનું મોજું ફરી વળ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)