ન્યૂયોર્ક: શુક્રવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ની પ્રથમ સમિટમાં ‘રાઇટ ઓફ રિપ્લાય’ (Right of Reply)નો ઉપયોગ કરીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે જણાવ્યું કે પરમાણુ શસ્ત્રોને ‘શાસન ચલાવવાનું સાધન’ ન ગણવું જોઈએ. ભારતે ભારપૂર્વક કહ્યું કે નવી દિલ્હી પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકશે નહીં.
ભારતનો પક્ષ રજૂ કરતા જીનિવામાં ‘કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ’ ખાતે ભારતના કાયમી મિશનના વરિષ્ઠ સલાહકાર (નિઃશસ્ત્રીકરણ) અનમોલ શેર સિંહ બેદીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સંઘર્ષ નથી ઇચ્છતું, પરંતુ ચેતવણી આપી કે ગેરજવાબદાર હરકતો માટે જવાબદારી નક્કી ન થવાથી આ ક્ષેત્રમાં સંકટ વધુ વકરશે
પાકિસ્તાનની પરમાણુ બ્લેકમેલિંગ પર ભારતે શું કહ્યું?
બેદીએ કહ્યું, 'અમે માંગ કરીએ છીએ કે ભારતના જે વિસ્તારો પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે તેને ખાલી કરવામાં આવે અને પરત સોંપવામાં આવે.' તેમણે ઉમેર્યું, 'ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે અને દરેક સાથે શાંતિ જાળવી રાખવા માંગે છે. પરંતુ જો બિનજવાબદાર કૃત્યો માટે કોઈ જવાબદારી નક્કી ન થાય, તો શાંતિ ભાગ્યે જ સંકટો વચ્ચેનો માત્ર એક વિરામ બનીને રહી જાય છે.'
તેમણે જણાવ્યું કે ભારતની ક્ષમતાઓ 'આત્મરક્ષણના હેતુથી' છે અને કોઈ ચોક્કસ દેશ વિરુદ્ધ નથી. તેમણે કહ્યું, 'અમે તણાવ વધવાને લઈને વ્યક્ત કરાયેલી ચિંતાઓ સાંભળી છે. આ ચિંતાઓ વ્યાજબી છે. જોકે, સમય જતાં લેવાયેલા પગલાં પરથી જ તેનું સાચું મૂલ્યાંકન કરી શકાય છે. પરમાણુ શસ્ત્રોને શાસન-સંચાલનના સામાન્ય સાધનો તરીકે ન જોવા જોઈએ.'
ભારતે કહયું કે અમે શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ જો સરહદ પારથી થતી આતંકવાદી કે ઉશ્કેરણીજનક હરકતોનો હિસાબ નહીં લેવામાં આવે તો શાંતિ ફક્ત બે યુદ્ધ કે સંકટો વચ્ચેની કેટલાક દિવસોની શાંતિ જ રહેશે.