Sat Oct 10 2026

Logo

કચ્છના ખાવડામાં થયેલા ગંભીર અકસ્માત મામલે તપાસના આદેશ, સાત મૃતકોની ઓળખ થઈ

2026-10-10 14:10:00
Author: Vimal Prajapati
કચ્છના ખાવડામાં થયેલા ગંભીર અકસ્માત મામલે તપાસના આદેશ, સાત મૃતકોની ઓળખ થઈ

ભુજઃ સરહદી ખાવડા નજીક આવેલા રિન્યુએબલ એનર્જી પાર્ક નજીક ગત શુક્રવારે વહેલી પરોઢે બોલેરો પિકઅપ અને બલ્કર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત મામલે વહીવટી તંત્રે ત્રિ-પાંખી તપાસના આદેશ આપ્યા છે. આ કમકમાટીભરી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ સાત કમનસીબ પરપ્રાંતીય શ્રમિકોની ઓળખ જાહેર કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કચ્છની આ પ્રાણઘાતક હોનારત અંગે ઊંડો આઘાત અને સંવેદના વ્યક્ત કરી છે.

પ્રાથમિક અહેવાલ બાદ સામે આવેલી સત્તાવાર વિગતો મુજબ, ખાવડા નજીક એનટીપીસી ફર્મ સ્થિત ‘ફલોદી’ કંપનીમાં નાઈટ શિફ્ટ પતાવીને પરોઢિયે 3 વાગ્યાના સુમારે શ્રમિકો બોલેરો કેમ્પરમાં પોતાના રહેઠાણ તરફ પરત ફરી રહ્યા હતા. કોટડા ચેકપોસ્ટથી આગળ રિન્યુએબલ એનર્જી પાર્ક માર્ગ પર બોલેરો પિકઅપ અને બલ્કર સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ દુર્ઘટનામાં સ્થળ પર જ દબાઈ જવાથી ઉત્તરપ્રદેશના બિરેશ જગદેવ પાસવાન (ઉ.વ. 22), દેશરાજ સુજલામ પાસવાન (ઉ.વ. 48), સંદીપકુમાર દોલીરામ પાસવાન, કુલદીપકુમાર રામકુમાર પાસવાન (ઉ.વ. 31) તેમજ બિહારના અનુપ ચેતરામ પાસવાન (ઉ.વ. 24), કૈલાશ રામધન મંડલ (ઉ.વ. 46) અને અનિલ રામપાલ પાસવાનનું કરુણ મોત નીપજ્યું હતું.

બોલેરોમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે 30થી 35 જેટલા શ્રમિકોને બેસાડવામાં આવ્યાં હતાં. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને પાછળ બેઠેલા મજૂરો દૂર ઝાડીઓમાં ફંગોળાયા હતા. જ્યારે કેટલાક વાહન નીચે દબાઈ ગયા હતા. બનાવ સ્થળથી ત્રણ કિલોમીટર દૂર ચેકપોસ્ટ પર હાજર રહેલા ખાવડા પીઆઈ એમ.બી. ચાવડા અને પોલીસ સ્ટાફે તુરંત ઘટનાસ્થળે દોડી આવી ક્રેનની મદદથી પલટી ગયેલાં વાહનો સીધાં કરી શ્રમિકોને બહાર કાઢ્યા હતા. સમયસર રેસ્ક્યૂ કામગીરી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાના કારણે વધુ ખુવારી અટકી શકી હતી.

કરુણાંતિકાની ગંભીરતાને જોતાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા વિકાસ સુંડા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત 25 કામદારોની સ્થિતિ જાણી તબીબોને શ્રેષ્ઠ સારવાર માટે સૂચના આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, અકસ્માતનું ચોક્કસ કારણ, માર્ગની સ્થિતિ તેમજ વાહનોની ક્ષમતા કે ખામીઓની તપાસ માટે પશ્ચિમ કચ્છ એસપી, આરટીઓ અને નેશનલ હાઈ-વે ડિવિઝનની સંયુક્ત ટીમ બનાવી સ્થળ પર મોકલી દેવાઈ છે અને વિગતવાર તપાસ અહેવાલ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન, કચ્છમાં સર્જાયેલી આ લોહિયાળ માર્ગ દુર્ઘટના અંગે સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ‘કચ્છમાં થયેલા આ પ્રાણઘાતક માર્ગ અકસ્માતથી ભારે દુઃખ થયું છે. પોતાના સ્વજનો ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી આત્મીય સંવેદના છે અને ઈજાગ્રસ્ત તમામ શ્રમિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું’.

(ઉત્સવ વૈદ્ય)