નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાં અને ટ્રેનો રદ કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ચૂંટણી સુધારાઓની માંગ સાથે યોજાનારા આ આંદોલન પહેલાં દિલ્હીમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને વિરોધ પ્રદર્શન અને ટ્રેનો રદ થવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
ભારતના યુવાનોને કોઈ રોકી શકે નહીં - ચિરાગ પાસવાન
કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને શુક્રવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રેનો રદ કરવાથી કે કનેક્ટિવિટી રોકવાથી ભારતના યુવાનોને રોકી શકાતા નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘આ ભારતના યુવાનો છે, તેમને કોઈ રોકી શકે નહીં. કોઈ કેટલી ટ્રેનો રોકી લેશે, કેટલી કનેક્ટિવિટી અટકાવી દેશે અને કેટલા રસ્તાઓજામ કરી દેશે? ભારતના યુવાનોમાં દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા છે, તેમને કોઈ રોકી શકે નહીં’. જો કે, સાથે જ તેમણે શહેરને વારંવાર ઠપ કરવાના પ્રયાસો સામે વાંધો વ્યક્ત કરતા કહ્યું કે આમ કરવું યોગ્ય નથી.
ચિરાગ પાસવાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં
ચિરાગ પાસવાને ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શનો અને રાજકારણ મુદ્દે વિપક્ષી પક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષ માત્ર રાજકારણ કરવામાં અને વિરોધ પ્રદર્શનોમાં જ રસ ધરાવે છે, પરંતુ સમસ્યાઓના ઉકેલ શોધવામાં તેમની કોઈ રૂચિ નથી. કહ્યું કે, ‘તમે (વિપક્ષ) ચૂંટણી જીતી શકતા નથી અને હવે સામાન્ય લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છો. વિપક્ષે સમય માંગીને મુખ્ય ચૂંટણી કમિશનરને મળવું જોઈએ’.
https://x.com/ANI/status/2108517339608285306?s=20
દિલ્હી એરપોર્ટ પર CJP સંસ્થાપક દીપકે સહિત નેતાઓની અટકાયત
દિલ્હી પોલીસ દ્વારા CJPના પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી, કારણ કે પોલીસે દાવો કર્યો છે કે આંદોલનકારોએ કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું નથી. તેમ છતાં પ્રદર્શનના એલાનને પગલે પોલીસે અત્યંત કડક રૂખ અપનાવ્યો છે. CJP ના સ્થાપક અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ દાસ મુંબઈથી દિલ્હી વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે આવી રહ્યા હતા. દિલ્હી પોલીસે પ્લેનની અંદર જઈને તેમને વિમાનમાંથી બહાર ઉતરતા પહેલા જ IGI એરપોર્ટ પર કસ્ટડીમાં લઈ લીધા હતા. અભિજીત દીપકેનો એક વીડિયો પણ શેર કર્યો હતો.