Sat Oct 10 2026

Logo

હરિયાણા કોંગ્રેસના પૂર્વ પ્રભારી દીપક બાબરિયાનું નિધન, કોંગ્રેસ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

2026-10-10 15:01:00
Author: Vimal Prajapati
હરિયાણા કોંગ્રેસના પૂર્વ પ્રભારી દીપક બાબરિયાનું નિધન, કોંગ્રેસ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હીઃ હરિયાણા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રભારી દીપક બાબરિયાનું આજે નિધન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દીપક બાબરિયાના અવસાનના સમાચારથી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ મધ્યપ્રદેશના પ્રભારી તરીકે પણ સેવા આપી હતી. તેમણે ઓક્ટોબર 2024 માં હરિયાણાના પ્રભારી પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી. અત્યારે તેમના નિધનના કારણે પાર્ટી સહિત તેમના પરિવારમાં ભારે શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. 

હરિયાણાના પ્રભારી પદ પરથી રાજીનામું આપવાની વાત કરતા દીપક બાબરિયાએ કહ્યું હતું કે, ‘મેં હાઇકમાન્ડને વિનંતી કરી હતી કે આ જવાબદારી બીજા કોઈને સોંપવામાં આવે. મારું સ્વાસ્થ્ય સારૂ નથી, અને પરિણામોને ધ્યાનમાં રાખીને, તે મારી નૈતિક જવાબદારી છે, મેં નિર્ણય હાઇકમાન્ડ પર છોડી દીધો છે’. પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેમના પર રહેલી જવાબદારી પાર્ટી દ્વારા કોઈ બીજાને સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. 

 

દીપક બાબરિયા નિધન પર મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ કમલનાથે શોક વ્યક્ત કરતા લખ્યું, ‘મને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રભારી શ્રી દીપક બાબરિયાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. કોંગ્રેસ પાર્ટી અને સમાજ માટે તેમનું કાર્ય હંમેશા યાદ રહેશે’.

 

આ સાથે સાથે રાહુલ ગાંધી દ્વારા પણ દીપક બાબરિયાના નિધન અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. એક્સ પર પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું તે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મહાસચિવ શ્રી દીપક બાબરિયાજીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમનું નિધન કોંગ્રેસ પરિવાર માટે ન પૂરાઈ શકે તેવી ક્ષતિ છે. સંગઠન પ્રત્યેનું તેમનું સમર્પણ અને પક્ષને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમયમાં હું તેમના પરિવાર, સાથીદારો અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. દીપકજી પ્રત્યે મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને આદર’.

 

કોંગ્રેસ પાર્ટી સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા  સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના વરિષ્ટ નેતા શક્તિસિંહ ગોહિલે પણ શ્રદ્ધાંજલિ આપી છે. હરિયાણા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રભારી દીપક બાબરિયાના નિધનના કારણે અત્યારે પાર્ટીમાં શોકનો માહોલ છવાયો છે.