Thu Jun 18 2026

Logo

કચ્છમાં ડીઝલ ક્વોટા મુદ્દે આક્રોશ, ખેડૂતોને અને ઉદ્યોગોનો વિરોધનો સૂર

2026-03-27 16:45:00
Author: Chandrakant Kanoja
Article Image

ભુજ: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે વિશ્વભરમાં ગેસ અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેન ખોરવાઈ જવા પામી છે ત્યારે કચ્છમાં ખેતી અને ઉદ્યોગો માટે ડીઝલના ક્વોટામાં મુકાયેલી નવી મર્યાદાને લીધે સ્થાનિકો અને વ્યાપારી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલની નીતિ મુજબ ખેડૂતોને માત્ર 200  લિટર અને મોટા ઉદ્યોગો તેમજ ઓપરેશનલ કામગીરી માટે માત્ર 1000  લિટર ડીઝલની ફાળવણી કરવામાં આવી રહી છે. આ મર્યાદા વાસ્તવિક જરૂરિયાત કરતા ઘણી ઓછી હોવાથી ખેતી અને ઉદ્યોગ જગતની કામગીરી પર તેની માઠી અસર પડી રહી છે.

ખેડૂતોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે

ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે, આધુનિક ખેતીમાં ટ્રેક્ટર અને અન્ય ભારે મશીનરી ચલાવવા માટે 200  લિટર ડીઝલ અત્યંત અપૂરતું છે. ખાસ કરીને વાવણી અને લણણી જેવી મુખ્ય સિઝન દરમિયાન પર્યાપ્ત ઇંધણની જરૂરિયાત રહે છે, ત્યારે આ મર્યાદિત ક્વોટા ખેતીકામમાં મોટો અવરોધ ઊભો કરી રહ્યો છે. વારંવાર પંપ પર ધક્કા ખાવા છતાં પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે.

ઉદ્યોગો માટે 1000  લિટરનો ક્વોટા પણ સાવ અલ્પ

બીજી તરફ, ઔદ્યોગિક હબ ગણાતા કચ્છમાં મોટા એકમો અને ભારે મશીનરીના સંચાલન માટે 1000  લિટરનો ક્વોટા પણ સાવ અલ્પ સાબિત થઈ રહ્યો છે. જો સરકાર દ્વારા આ નીતિમાં વહેલી તકે સુધારો કરવામાં નહીં આવે તો જિલ્લાના અનેક ઉત્પાદન એકમો અને કામગીરી ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં, જ્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવાના અંતર વધુ છે, ત્યાં આ નિયંત્રણો વ્યવહારુ જણાતા નથી. કચ્છની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાને રાખી આ ડીઝલ કાપની નીતિમાં તાત્કાલિક ફેરફાર કરવો અનિવાર્ય છે તેમ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂત સંગઠનો અને ઉદ્યોગપતિઓ દ્વારા ક્વોટા વધારવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.

(ઉત્સવ વૈધ)