Wed Sep 02 2026

Logo

નખત્રાણાનાં ખાંભલામાં 'ઓનર કિલિંગ': પ્રેમલગ્નથી નારાજ પિતાએ દીકરી અને તેના પ્રેમીની હત્યા કરી, મૃતદેહો કુવામાં ફેંકી દીધા!

2026-03-14 11:39:00
Author: Mayur Patel
નખત્રાણાનાં ખાંભલામાં 'ઓનર કિલિંગ': પ્રેમલગ્નથી નારાજ પિતાએ દીકરી અને તેના પ્રેમીની હત્યા કરી, મૃતદેહો કુવામાં ફેંકી દીધા!

ભુજ : કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં માનવતાને શર્મસાર કરતી અને 'ઓનર કિલિંગ'ની ભયાનક ઘટના સામે આવી છે. પિતાએ પોતાની જ પુત્રી અને તેના પ્રેમીની ગળું દબાવી હત્યા કરી, તેમના મૃતદેહને ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે ૩૯ દિવસ બાદ કૂવામાંથી બંનેના કોહવાયેલા મૃતદેહ બહાર કાઢી પિતા અને તેના ભાણેજની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, ખાંભલા ગામની ૧૯ વર્ષીય નાથીબેન ઉર્ફે સોનુ વંકા રબારી અને નાના અંગીયા ગામના ૨૧ વર્ષીય નવીન જીવા રબારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગત ૩ ફેબ્રુઆરીના રોજ આ પ્રેમી યુગલ ઘરેથી ભાગી ગયું હતું. પુત્રી ઘરે ન આવતા પિતા વંકા પના રબારીએ શોધખોળ કરી હતી અને બંનેને કોટડા (જડોદર) પાસેથી શોધી કાઢ્યા હતા. સમાજમાં બદનામીના ડરે પિતાએ કાવતરું ઘડ્યું અને બંનેને ફોસલાવીને ઘરે પરત બોલાવ્યા હતા.

ખાંભલા અને કોટડા ગામ વચ્ચેના માર્ગ પર પિતા વંકા રબારી અને તેના ભાણેજ પબા ગાભા રબારીએ ક્રૂરતાની હદ વટાવી બંનેનું ગળું દબાવીને ટૂંપો આપી દીધો હતો. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના આશયથી બંનેના મૃતદેહને મોટરસાઇકલ પર લઈ જઈ સીમમાં આવેલા ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પધરાવી દીધા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પિતાએ પોતે જ ૭ ફેબ્રુઆરીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાવી હતી, જ્યારે યુવકના પરિવારે ૫ ફેબ્રુઆરીએ ગુમનોંધ કરાવી હતી. 


જોકે, તપાસ દરમિયાન પોલીસને યુવતીના પિતાની વર્તણૂક પર શંકા ગઈ હતી. પીઆઈ જે.ડી. સરવૈયા અને તેમની ટીમે જ્યારે પિતાની સઘન પૂછપરછ (ઉલટ તપાસ) કરી, ત્યારે આ ડબલ મર્ડરનો પર્દાફાશ થયો હતો. શુક્રવારે નખત્રાણાના ઇન્ચાર્જ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ અને એસડીએમની ઉપસ્થિતિમાં ફાયર વિભાગની મદદથી કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

દુઃખદ બાબત એ છે કે મૃતક યુવક નવીન રબારીના ભાઈનું હજુ થોડા સમય પહેલા જ ૨૮ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અકસ્માતમાં મોત થયું હતું. ટૂંકા ગાળામાં જ બે જુવાનજોધ દીકરાઓ ગુમાવતા રબારી પરિવાર પર આભ ફાટ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા બાદ લાશને કૂવા કે બોરવેલમાં ફેંકી દેવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. અગાઉ મૃરૂ, નાના વરનોરા અને ચંદીયા ગામમાં પણ આવી જ રીતે હત્યા કરી પુરાવા નાશ કરવાના પ્રયાસો થયા હતા. હાલમાં પોલીસે બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)