ભુજઃ ભાદરવાના આરંભે વરસેલા સાર્વત્રિક વરસાદથી કચ્છની તરસ છિપાઈ છે અને ધરતીપુત્રોને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ જિલ્લાના મોટા જળાશયોમાં પાણીના સંગ્રહની વાસ્તવિક સ્થિતિ હજુ પણ ગંભીર પડકાર સમાન બની રહી છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે તાજેતરની મેઘમહેર છતાં કચ્છના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ જળસંગ્રહમાં ૭૦ ટકાથી વધુની ખાધ વર્તાઈ રહી છે.
છેલ્લા બે દિવસના વરસાદના પગલે ગુજરાતના જળાશયોમાં કુલ ૬૦૩ મિલિયન ક્યુબિક મીટર નવાં નીરની આવક નોંધાઈ હતી. જોકે, તેની તુલનામાં સરહદી કચ્છના ડેમોમાં પાણીની આવક અત્યંત મર્યાદિત રહી છે. ૧૬ સપ્ટેમ્બરના સત્તાવાર અહેવાલ મુજબ, કચ્છના જળાશયોમાં હાલ માત્ર ૮૧.૦૯ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જીવંત સંગ્રહ ઉપલબ્ધ છે, જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન ૨૭૭.૨૨ મિલિયન ક્યુબિક મીટર નોંધાયો હતો. આમ, ગયા વર્ષના આંકડા સામે ચાલુ વર્ષે જળસંગ્રહમાં સીધો ૭૦.૭૫ ટકાનો જંગી ઘટાડો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
તાજેતરમાં થયેલી મેઘવૃષ્ટિના પરિણામે સ્થાનિક ચેકડેમો, ગ્રામીણ તળાવો અને નદી-નાળાંઓમાં પૂરતાં નીર આવતાં સીમાડાઓને સંજીવની મળી છે. તેમ છતાં, પીવાના પાણી અને સિંચાઈની લાંબાગાળાની સુરક્ષા માટે મોટા જળાશયો છલકાય તેટલો વધુ વરસાદ અત્યંત અનિવાર્ય બન્યો છે. કચ્છ જેવા સૂકા અને સરહદી પ્રદેશ માટે વરસાદનો એક-એક ઇંચ પાણી માત્ર આંકડાકીય વિગત નથી, પરંતુ આગામી આખા વર્ષના ઘાસચારા, પશુપાલન અને ખેતીવાડીના અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો જીવનમરણનો પ્રશ્ન છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, કચ્છમાં સિઝનનો સરેરાશ 57.16 ટકા વરસાદ વરસ્યો છે. અબડાસામાં 37.89 ટકા, અંજારમાં 53.30 ટકા, ભચાઉમાં 63.84 ટકા, ભુજમાં 57.44 ટકા, ગાંધીધામમાં 63.77 ટકા, લખપતમાં 47.73 ટકા, માંડવી (કચ્છ)માં 61.08 ટકા, મુન્દ્રામાં 51.82 ટકા, નખત્રાણામાં 47.13 ટકા અને રાપરમાં 82.62 ટકા વરસાદ પડ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)