Sat Aug 29 2026

Logo

ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરતી કુખ્યાત ‘લોટા ગેંગ’ના ૩ સાગરીતો કેવી રીતે ઝડપાયા ?

2026-08-11 13:26:00
Author: Mumbai Samachar Team
ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરતી કુખ્યાત ‘લોટા ગેંગ’ના ૩ સાગરીતો કેવી રીતે ઝડપાયા ?

ભુજ:  રાપર અને આડેસર વિસ્તારમાં ધાર્મિક વિધિ અને પૂજા-પાઠના નામે ભોળા ગ્રામજનોને છેતરતી કુખ્યાત ‘લોટા ગેંગ’નો કટોકટીના સમયે પર્દાફાશ કરી એલસીબી અને સ્થાનિક પોલીસે ત્રણ સાગરીતોને રૂપિયા ૪.૬૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગના સભ્યો ગ્રામીણ વિસ્તારોમાં જઈ વિધિના બહાને લોકો પાસે સોના-ચાંદીના દાગીના અને રોકડ મગાવી નજર ચૂકવીને ફરાર થઈ જતા હતા. એલસીબી તથા રાપર અને આડેસર પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે થરાદના શિવનગર ખાતે રહેતા નરેશનાથ ચમનનાથ નાથબાવા, અંબાનાથ સુરમનાથ નાથબાવા અને રમેશનાથ હમીરનાથ નાથબાવાને સ્વિફ્ટ કાર સાથે પકડી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી સોનાના થોરીયા, ચાંદીની સાંકળ, સોનાનો પારો, રોકડ રૂપિયા ૧૩,૧૦૦ અને સ્વિફ્ટ કાર મળી કુલ રૂપિયા ૪,૬૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાપર અને આડેસર પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના ગુનાઓ અંતર્ગત પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા પંથકની કુખ્યાત 'લોટા ગેંગ' ધાર્મિક વિધિ અને પૂજા-પાઠના નામે લોકો સાથે છેતરપિંડી અને ઠગાઈ આચરતી ટોળકી છે. આ ગેંગનું લોકોના ઘરમાં ધાર્મિક વિધિ કે ચમત્કારિક પૂજાનું નાટક રચવા માટે લોટા (પાણી ભરવાનું વાસણ) નો ઉપયોગ કરતા હતા અને વિધિના નામે નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ 'લોટો' ફેરવીને (ચોરી કે સેરવીને) ફરાર થઈ જતાં હતા. તેથી ગેંગનું નામ 'લોટા ગેંગ' પડ્યું છે. 

(ઉત્સવ વૈદ્ય)