Fri Jun 26 2026

Logo

આબોહવા પરિવર્તન ફળ્યું! કચ્છમાં પાક્યો રેકોર્ડબ્રેક જાંબુનો પાક

2026-06-26 11:37:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ હવામાનમાં આવી રહેલા વ્યાપક બદલાવ અને અસામાન્ય કુદરતી પરિસ્થિતિના પરિણામે ચાલુ વર્ષે ૨૦૨૬માં કચ્છ જિલ્લામાં જાંબુનો વિક્રમી પાક જોવા મળ્યો છે. ચાલુ વર્ષે વસંતઋતુ દરમિયાન વરસાદ સાવ નહિવત રહ્યો હતો, જ્યારે ફેબ્રુઆરી માસના અંતથી જ પારો ૪૪ ડિગ્રી સે.ને  પાર કરી ગયો હતો. લાંબા સમય સુધી અસહ્ય ગરમી અને ભેજની અછતને કારણે જાંબુના વૃક્ષો પર ભારે 'વોટર સ્ટ્રેસ' ઊભો થયો હતો. 

કેટલું થયું ઉત્પાદન

વનસ્પતિશાસ્ત્રના નિયમ મુજબ, જ્યારે વૃક્ષ પર અસ્તિત્વનું જોખમ ઊભું થાય ત્યારે તે વંશવેલો જાળવી રાખવા માટે પોતાની તમામ ઊર્જા બીજના ફેલાવા પાછળ કેન્દ્રિત કરે છે અને વધુ પ્રમાણમાં ફળ આપે છે. કચ્છના નખત્રાણા, અબડાસા, માંડવી અને ભુજ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે પ્રત્યેક વૃક્ષ દીઠ આશરે પાંચથી છ મણ જેટલા જાંબુનું ઉત્પાદન મળ્યું છે, જે સામાન્ય વર્ષોની સરખામણીએ બમણું છે.

કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને જમીન મૂળભૂત રીતે અલ્પ પાણીવાળી તથા ક્ષારયુક્ત હોવાથી અહીંના દેશી જાંબુના વૃક્ષો પ્રતિકૂળ હવામાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ વર્ષે લાંબી ખેંચાયેલી સૂકી ગરમીને કારણે વૃક્ષો પર પુષ્કળ ફ્લાવરિંગ થયું હતું અને ફળ બેસવાની ટકાવારી પણ ઊંચી રહી હતી. 


ફળનું કદ સામાન્ય કરતાં થોડું નાનું રહ્યું

જોકે, ખેડૂતોના નિરીક્ષણ મુજબ, અતિશય પાકને કારણે ફળનું કદ સામાન્ય કરતાં થોડું નાનું રહ્યું છે, પરંતુ તેની મીઠાશ અને આકર્ષક ઘેરો જાંબલી રંગ ઉત્કૃષ્ટ કક્ષાના નોંધાયા છે. ભુજ, માંડવી અને ગાંધીધામના મુખ્ય માર્કેટ યાર્ડોમાં જાંબુની બમ્પર આવક થતાં શરૂઆતમાં પ્રતિકિલોના ભાવ ઘટીને રૂ ૨૦થી રૂ.૩૦ સુધી પહોંચી ગયા હતા. પરંતુ ત્યારબાદ સ્થાનિક જ્યૂસ, શરબત અને ડ્રાય પાવડર બનાવતા પ્રોસેસિંગ યુનિટો દ્વારા મોટા પાયે ખરીદી શરૂ કરાતા બજારમાં ભાવો સ્થિર થયા હતા, જેનાથી ખેડૂતોને આર્થિક ટેકો મળ્યો છે.

વૈજ્ઞાનિકોએ ખેડૂતોને શું આપી સલાહ

બીજી તરફ, કચ્છ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોના મતે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે કચ્છમાં વસંતઋતુ ઉત્તરોત્તર વધુ સૂકી અને ગરમ બની રહી છે. ટૂંકા ગાળા માટે આ પરિસ્થિતિ ભલે ઉત્પાદન વધારે, પરંતુ જો દર વર્ષે આવા જ ચક્રનું પુનરાવર્તન થાય તો વૃક્ષો કાયમી ધોરણે નબળા પડી શકે છે. વૃક્ષોના મૂળનો વિકાસ અટકે છે અને જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઘટે છે. આ સ્થિતિને નિવારવા વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી મર્યાદિત પાણી આપવા, વૃક્ષના થડની ફરતે ઘાસનું આચ્છાદન કરવા અને રાસાયણિક ખાતરોના બદલે પરંપરાગત છાણિયા ખાતરનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, કચ્છનું દેશી જાંબુ પોતાના વિશિષ્ટ ઔષધીય ગુણો માટે જાણીતું હોવાથી, લાંબા ગાળા સુધી તેનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન ટકાવી રાખવા માટે હવે જમીન અને જળ વ્યવસ્થાપન અનિવાર્ય બન્યું છે. 

(ઉત્સવ વૈદ્ય)