થરાદ તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતમાં વહીવટી તંત્ર દ્વારા એક મોટી અને ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે. રામપુરા ગામના સરપંચ સીતાબેન ભાવપુરી ગોસ્વામીને ગૌચરની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેવા, સત્તાનો દુરુપયોગ કરવા તેમજ વહીવટી તંત્રને ભ્રામક માહિતી આપી ગેરમાર્ગે દોરવાના ગંભીર આરોપોસર પદ પરથી હટાવી દેવાયા છે. જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્માએ ગુજરાત પંચાયત અધિનિયમ-1963ની કલમ 57(1) હેઠળ તાત્કાલિક અસરથી આ કડક આદેશ કર્યો છે.
હાઈકોર્ટની નોટિસ અને તંત્રની સુનાવણી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રામપુરા ગામના ગૌચર વિસ્તારમાં મોટા પાયે થયેલા ગેરકાયદેસર દબાણોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પણ દાખલ કરવામાં આવી હતી. આ મામલે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે અનેક વાર સરપંચને નોટિસો આપી હતી એટલું જ નહીં પરંતુ રૂબરૂ સુનાવણી માટે પણ પૂરતી તક આપવામાં આવી હતી. પરંતુ સુનાવણી દરમિયાન સરપંચ સીતાબેન ગોસ્વામીએ લેખિત તેમજ મૌખિક રીતે એવો દાવો કર્યો હતો કે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પરથી તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. જોકે, વહીવટી તંત્રની ગ્રાઉન્ડ તપાસમાં સરપંચની પોલ ખુલી ગઈ હતી. જેના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને પદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે.
સત્તાનો દુરુપયોગ અને મનસ્વી ઠરાવ
જિલ્લા વિકાસ અધિકારીના આદેશની મહિલા સરપંચ દ્વારા અવગણના કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના આદેશમાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, સરપંચ તરીકે સીતાબેન ગોસ્વામીએ ગૌચરની કિંમતી સરકારી જમીન પરથી દબાણો દૂર કરવાની ફરજ બજાવવામાં ગંભીર બેદરકારી દાખવી હતી. એટલું જ નહીં, ગ્રામ પંચાયત દ્વારા મનસ્વી ઠરાવ પસાર કરી દબાણ દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. આટલી તકો આપવા છતાં પણ તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી જાહેર હિતને ધ્યાનમાં રાખીને તેમને સરપંચના હોદ્દા પર ચાલુ રાખવું યોગ્ય ન ગણી આ આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ આ આદેશની નકલ તાલુકા વિકાસ અધિકારી, થરાદ તથા રામપુરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીને મોકલી તાત્કાલિક અમલવારી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ કડક કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ફરજમાં બેદરકારી દાખવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.