ભુજ: પૂર્વ કચ્છના આદિપુર સંકુલમાં વાહન ચેકિંગ દરમિયાન મોટરસાઈકલ પર સવાર બે રીઢા તસ્કરોને દબોચી લેવામાં આવ્યા છે. પકડાયેલા તસ્કરોના થેલામાંથી અંદાજિત સવા આઠ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, કાંડા ઘડિયાળો અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમો ઉપરાંત તુર્કી દેશની બનાવટની એક વિદેશી પિસ્ટલ તેમજ 26 નંગ જીવતા કારતૂસ મળી આવતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ હથિયાર તસ્કરોએ એકાદ મહિના પૂર્વે અંજાર રોડ પરના એક બંધ બંગલામાંથી ચોર્યું હોવાની કબૂલાત કરી છે, જે ગુનાની ભોગ બનનાર માલિકે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ જ નોંધાવી ન હોવાનું સામે આવ્યું છે.
આ ચકચારી પ્રકરણની વિગતો મુજબ, ગત તારીખ 17 અને 18 જૂનની મધ્યરાત્રિએ આદિપુરના આહીર કૃષ્ણાનગર વિસ્તારમાં રહેતા અને હાલ દુબઈ સ્થાયી થયેલા મનીષાબેન આસરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અજાણ્યા ચોરોએ સીસીટીવી કેમેરાની દિશા બદલી, તાળાં તોડીને અંદરથી સોના-ચાંદીના ઘરેણાં, ચાંદીના 12 સિક્કા, બે લેપટોપ, બે મોબાઈલ, બ્રાન્ડેડ 13 કાંડા ઘડિયાળો અને રૂપિયા 01.20 લાખની કિંમતના બે કિંમતી વિદેશી પર્સ સહિત કુલ મળીને રૂપિયા 01.40 લાખના મુદ્દામાલની ચોરી આચરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ સઘન તપાસમાં હતી.
આદિપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કૃષ્ણાનગર ચોરીનો માલ વેચવા માટે બે શખ્સો પલ્સર મોટરસાઈકલ પર થેલા લઈને પસાર થવાના છે. પોલીસે જુમા પીર ફાટક પાસે વોચ ગોઠવીને જગદીશ જીવા રાઠોડ (ઉંમર વર્ષ 23, મૂળ રહે. માનપુરા, સાંતલપુર, જિ. પાટણ) અને વસંત રમેશ વારૈયા (દેવીપૂજક) (ઉંમર વર્ષ 20, મૂળ રહે. રાધનપુર, જિ. પાટણ)ને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ હાલ અંજારના વરસામેડી સ્થિત શાંતિધામ સોસાયટીમાં રહીને મજૂરીકામ કરે છે અને રેકી કરીને બંધ બંગલાઓમાં ચોરી કરવાની ટેવ ધરાવે છે.
તપાસ દરમિયાન તેમના થેલામાંથી અગાઉની ચોરીઓનો પણ મોટો જથ્થો મળી આવ્યો છે, જેમાં 11 નંગ મોબાઈલ, 31 કાંડા ઘડિયાળો, 7 લેપટોપ અને 2 આઈપેડ સહિત કુલ રૂપિયા 08.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તસ્કરોના થેલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને તુર્કી દેશની ‘ATAK Arms’ કંપનીની 9 MMની પ્રીમિયમ પિસ્ટલ તેમજ પોઈન્ટ 22 બોરના 15 નંગ અને પોઈન્ટ 32 બોરના 11 નંગ મળી કુલ 26 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીઓએ જણાવ્યું કે, એકાદ મહિના પહેલાં તેમણે રામબાગ હોસ્પિટલથી અંજાર જતા માર્ગ પર એક આસામીના બંધ બંગલાના તાળાં તોડ્યા હતા, જ્યાંથી આ હથિયાર મળ્યું હતું.
આ સમગ્ર મામલે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ અલાયદો ગુનો નોંધી બંનેના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ પિસ્ટલ અસલી ઘાતક હથિયાર છે કે, માત્ર અવાજ કે ડરાવવા માટે વપરાતી બ્લેન્ક ફાયરિંગ ગન છે, તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે મુદ્દામાલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે. આ હથિયાર કયા પ્રતિષ્ઠિત નાગરિકનું છે અને તેમણે હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાવી, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(ઉત્સવ વૈદ્ય)