Fri Jun 26 2026

Logo

વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂ પર વરસાદનો ખતરો! બેલફાસ્ટમાં હવામાન બનશે વિલન?

Belfast   2026-06-26 12:34:00
Author: Mayur Patel
Article Image

બેલફાસ્ટઃ ભારત અને આયરલૅન્ડ વચ્ચે બેલફાસ્ટમાં આજે પ્રથમ ટી20 રમાશે. જોકે મેચ દરમિયાન વરસાદ વિક્ષેપ પાડી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે, મેચ દરમિયાન હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જો આ સ્થિતિમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવે તો તેનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.

હવામાન વિભાગ મુજબ, બેલફાસ્ટમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદની સંભાવના છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના 30 થી 43 ટકા વચ્ચે જણાવવામાં આવી છે. તાપમાન 22 થી 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. જો હવામાન રમવા લાયક હશે તો પણ વચ્ચે વચ્ચે વરસાદ રમતમાં વિક્ષેપ પાડી શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, સતત કે ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ દિવસ દરમિયાન ડ્રાય સ્પેલ રહેવાની શક્યતા છે. આ સ્થિતિમાં મેચ રદ્દ સંભાવના બહુ ઓછી છે. પરંતુ વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે. છેલ્લા થોડા દિવસોથી બેલફાસ્ટમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે, જેના કારણે સચોટ અંદાજ લગાવવો મુશ્કેલ છે. સૌથી મોટો પડકાર થોડી થોડી વારે પડનારો વરસાદ રહેશે.

વૈભવ રચી શકે છે ઈતિહાસ

જો વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-11માં મોકો મળશે તો ભારતની પુરુષ અને મહિલા ટીમમાં મળીને સૌથી ઓછી વયે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનારો ખેલાડી બની જશે. આઈપીએલમાં વિસ્ફોટક પ્રદર્શન બાદ સમગ્ર ક્રિકેટ જગત તેના ઈન્ટરનેશનલ ડેબ્યૂની રાહ જોઈ રહ્યું છે. જે તેું ડેબ્યૂ થશે તો સચિનને પાછળ રાખીને સૌથી ઓછી વયે ઈન્ટનેશનલ ક્રિકેટ રમનારો ભારતીય ક્રિકેટર બની જશે.

કેવો છે રેકોર્ડ

ભારત અને આયરલૅન્ડ વચ્ચે 2009થી અત્યાર સુધીમાં કુલ આઠ ટી-20 મૅચ રમાઈ છે અને એ આઠેય મૅચ ભારતે જીતી છે. છેલ્લે જૂન, 2024માં અમેરિકામાં આયોજિત વર્લ્ડ કપમાં ભારતે હાર્દિક પંડ્યાની ત્રણ વિકેટ તેમ જ અર્શદીપ અને બુમરાહની બે-બે વિકેટ તેમ જ રોહિત શર્મા (બાવન રને રિટાયર્ડ હર્ટ)ની હાફ સેન્ચુરીની મદદથી ભારતે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા/વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ/પ્રસિદ્ધ ક્રિષ્ના/પ્રિન્સ યાદવ.

આયરલૅન્ડઃ લૉર્કેન ટકર (કૅપ્ટન, વિકેટકીપર), ટિમ ટેક્ટર, રૉસ ઍડેર, હૅરી ટેક્ટર, બેન કૅલિટ્ઝ, ગરેથ ડેલની, જ્યોર્જ ડૉકરેલ, મૅથ્યૂ હમ્ફ્રેઝ, મૅટ હૉલાર્ડ, રુબેન વિલિયમ્સ, જય મૂન્ડ્રા.