Tue Aug 25 2026

Logo

કચ્છમાં પ્રોહિબિશન વિભાગ એક્શનમાં, અંજારના સીલબંધ મકાન અને સૂરજબારી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો

2026-06-26 11:22:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં પ્રોહિબિશન વિભાગ એક્શનમાં, અંજારના સીલબંધ મકાન અને સૂરજબારી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો

ભુજ: પૂર્વ કચ્છ પોલીસ અને પ્રોહિબિશન વિભાગે બાતમી અને સઘન ચેકિંગના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ રૂપિયા 56,996ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ એક આઈ20 કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી અંતર્ગત પોલીસે બે રીઢા બુટલેગરો અને એક કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

બેંક દ્વારા સીલ કરાયેલા બંધ મકાનમાંથી મળ્યો દારૂનો જથ્થો

પ્રથમ સફળ કાર્યવાહી અંજારના વરસામેડી વિસ્તારમાં કરવામાં આવી હતી. વરસામેડીના ઓમનગરમાં તાજેતરમાં બનેલા મારામારી અને હત્યાની કોશિશ (કલમ 307)ના ગુનામાં પકડાયેલા રીઢા ગુનેગાર કાના વેલા બઢિયાની પોલીસે જેલમાં પૂછપરછ હાથ ધરી હતી. રિમાન્ડ દરમિયાન આરોપી કાનાએ કબૂલાત કરી હતી કે, તેણે પોતાના મકાનની સામે આવેલા અને બેંક દ્વારા સીલ કરાયેલા એક બંધ મકાનને પોતાનું ગુપ્ત ગોડાઉન બનાવ્યું હતું.

પોલીસે આરોપીને સાથે રાખીને આ સીલબંધ મકાનમાં દરોડો પાડતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના કુલ 276 નંગ ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. જેની કિંમત 48,996 રૂપિયા છે. આ માલ તેને સિનુગ્રા ગામનો બુટલેગર અનવર ઉર્ફે અનુડો કકલ સપ્લાય કરી ગયો હોવાનું ખુલતાં પોલીસે બંને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અનવરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સૂરજબારી ચેકપોસ્ટ પરથી i20 કારમાં છુપાવેલો દારૂ પકડાયો

બીજી કાર્યવાહી સામખિયાળી પોલીસ દ્વારા શિકારપુર નજીક આવેલી સૂરજબારી ચેકપોસ્ટ પર કરવામાં આવી હતી. કચ્છમાં પ્રવેશતા વાહનોના ચેકિંગ દરમિયાન પોલીસે મુંબઈ પાસિંગની એક કારને આંતરીને આ સફળતા મેળવી હતી. કારની તલાશી લેતાં અંદરથી 2-2 લીટરની વિદેશી દારૂની 3 મોટી પ્રીમિયમ બોટલો મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કાર ચાલક  શ્લોક પરેશ ઠક્કરની ધરપકડ કરી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે અને આ શરાબનો જથ્થો ક્યાંથી લવાઈ રહ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ)