Mon Sep 07 2026

Logo

વન્યજીવ સંરક્ષણ માટે મહત્વનો નિર્ણય: કચ્છનું વિશ્વપ્રસિદ્ધ ઘુડખર અભયારણ્ય આજથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ

2026-06-15 10:53:04
Author: Mayur Patel
વન્યજીવ સંરક્ષણ માટે મહત્વનો નિર્ણય: કચ્છનું વિશ્વપ્રસિદ્ધ ઘુડખર અભયારણ્ય આજથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ

ભુજઃ કચ્છના નાના રણમાં આવેલું અને દુર્લભ જંગલી ગધેડા માટે જાણીતું પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય આજથી એટલે કે ૧૫ જૂનથી આગામી ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વન વિભાગ દ્વારા વન્યજીવોના પ્રજનન સમયગાળા દરમિયાન ખલેલ ન પહોંચે અને ચોમાસાની ઋતુમાં રણ વિસ્તારમાં સર્જાતી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઘુડખર અભયારણ્ય આજથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે કેમ રહેશે બંધ

અભયારણ્યના બી.એમ.પટેલના જણાવ્યા અનુસાર, દર વર્ષની પરંપરા મુજબ ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધીનો ચાર મહિનાનો સમયગાળો ઘુડખર પ્રાણીઓ માટે મુખ્ય પ્રજનનકાળ હોય છે. આ નાજુક સમયે વાહનોના ઘોંઘાટ કે કોઈપણ પ્રકારની માનવીય દખલગીરી વગર વન્યજીવો શાંતિપૂર્ણ વાતાવરણમાં રહી શકે અને તેમની વસ્તીમાં કુદરતી રીતે વધારો થાય તે આ પ્રતિબંધ પાછળનો મુખ્ય હેતુ છે.

વન્યજીવ સંરક્ષણ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા પણ આ નિર્ણય પાછળનું એક મોટું કારણ છે. ચોમાસા દરમિયાન રણના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર અશક્ય બને છે અને કમ્યુનિકેશન નેટવર્ક ખોરવાઈ જાય છે. આવી સ્થિતિમાં જો પ્રવાસીઓ રણના આંતરિક ભાગોમાં જાય તો ફસાઈ જવાનું અને તેમનો જીવ જોખમમાં મુકાવાનું ભારે જોખમ રહે છે.

ગેરકાયદેસર પ્રવેશ્યા તો આવી બન્યું સમજો

વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ ચાર મહિનાના પ્રતિબંધિત સમયગાળા દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ આરક્ષિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરશે, તો તેની સામે વન્યજીવ સંરક્ષણ ધારા (વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ) અંતર્ગત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 

કેટલા લોકોએ લીધી ઘુડખર અભયારણ્યની મુલાકાત

વન વિભાગના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષ દરમિયાન ૨૦,૦૦૦થી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓએ આ પ્રખ્યાત અભયારણ્યની મુલાકાત લીધી હતી. હવે આ પ્રવાસી આકર્ષણ આગામી ૧૬ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરીથી વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવશે.

(ઉત્સવ વૈદ્ય)