ભુજઃ કચ્છમાં આ વર્ષે વરસાદ ખેંચાતાં સમગ્ર જિલ્લામાં ગંભીર અછત અને જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદના અભાવે ઘાસચારો, પીવાનું પાણી અને પશુધનની જાળવણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો હોવાથી કચ્છ જિલ્લાને તુરંત અછતગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત સોંદરવાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે કે જિલ્લાની ૩૦૦થી વધુ પાંજરાપોળો અને ગૌશાળાઓમાં આશરે ૧.૫૦ લાખથી વધુ નિરાધાર પશુઓ આશ્રય લઈ રહ્યા છે. પશુધનને બચાવવા માટે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ દૈનિક પશુદીઠ રૂ.૫૦ની નિભાવ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બીજીતરફ, છેવાડાના લખપત તાલુકામાં પશ્ચિમ વિસ્તારમાં નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી દયનીય સ્થિતિ સર્જાઈ છે. રાહતદરે વિતરણ કરાતો સરકારી ઘાસનો જથ્થો ખલાસ થઈ જતાં ઘાસચારા અને દૂષિત પાણીના કારણે પશુમરણ થઈ રહ્યા હોવાનો માલધારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તાલુકા મામલતદારના જણાવ્યા મુજબ, ડેપોમાં ઘાસનો જથ્થો ખૂટી પડતાં નવી દરખાસ્ત મોકલવામાં આવી છે.
જિલ્લાની જળસંચય સ્થિતિ પણ ચિંતાજનક બની છે. કચ્છની ૧૭૦ નાની સિંચાઈ યોજનાઓમાંથી ૯૭ ડેમ સાવ ખાલીખમ છે અને માત્ર ૯.૩૩ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે ૨૦ મધ્યમ સિંચાઈ યોજનાઓમાં સરેરાશ માત્ર ૧૦.૬૪ ટકા જ પાણી ઉપલબ્ધ છે. નર્મદાનું પાણી ડેમોમાં ઠાલવવાની જાહેરાતોનો હજુ સુધી અમલ થયો નથી. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોનો વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની અને પશુપાલકોની મુશ્કેલીઓ બેહદ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)