Fri Jun 19 2026

Logo

૪૭ દિવસ, ૪૭ સાયબર ફ્રોડ અને ૭.૭૪ કરોડ રૂપિયા: માધાપરના રિક્ષા ચાલકના ખાતામાં દેશભરની કાળી કમાણી ઠાલવવાનું નેટવર્ક પકડાયું!

2026-06-09 10:11:00
Author: Mayur Patel
Article Image

Ai Image


ભુજઃ  કચ્છના માધાપર ખાતે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં એક સામાન્ય રિક્ષા ચાલકના બેંક ખાતામાં માત્ર ૪૭ દિવસના ટૂંકા ગાળામાં રૂા. ૭,૭૪,૧૫,૫૭૯ (રૂા. ૭.૭૪ કરોડ) જેવી માતબર રકમ જમા થતાં બોર્ડર રેન્જ ભુજની સાયબર ક્રાઈમ પોલીસની નજરે આ મોટું કૌભાંડ ચડી ગયું છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે આ ખાતાને ઓનલાઈન છેતરપિંડી આચરતા આંતરરાજ્ય સાયબર માફિયાઓનું ‘મ્યુલ એકાઉન્ટ’ જાહેર કરી મુખ્ય ખાતાધારક રિક્ષા ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. આ એક જ બેંક ખાતા વિરૂદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ ૪૭ જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનોજકુમાર મંગરીયાએ આ મામલે માધાપરના રિક્ષા ડ્રાઈવર મુકેશ ભરત ગજરા અને તેના સાગરીત ધીરજ શિવજી ભાનુશાળી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.  પોલીસની ‘સમન્વય પોર્ટલ’ પર શંકાસ્પદ બેંક ખાતાઓની નિયમિત ડિજિટલ તપાસ દરમિયાન આ ભોપાળું બહાર આવ્યું હતું. સેન્ટ્રલ બેંકની માધાપર શાખામાં ગત ૨૦ એપ્રિલના રોજ ‘આશાપુરા એન્ટરપ્રાઈઝ’ નામે એક કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું, જેમાં વિદેશી કે આંતરરાજ્ય ગેંગ દ્વારા ગણતરીના દિવસોમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે આ પેઢીના કેવાયસી દસ્તાવેજો તપાસ્યા ત્યારે તેના પ્રોપરાઇટર તરીકે રિક્ષા ચાલક મુકેશ ગજરાનું નામ સામે આવ્યું હતું.

પોલીસની સઘન પૂછપરછમાં આરોપી મુકેશે કબૂલાત કરી હતી કે, તેણે પોતાના બનેવીના ભાઈ ધીરજ ભાનુશાળી સાથે મળીને ટૂંકી કમાણી કરવા માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું. ઓનલાઈન ફ્રોડ કરતી અજ્ઞાત સાયબર ગેંગને કમિશનની લાલચે આ બેંક ખાતાની કિટ, ચેકબુક અને નેટ બેન્કિંગના પાસવર્ડ વાપરવા માટે આપી દીધા હતા. આ ખાતું આપવાના બદલામાં આરોપી ધીરજે રિક્ષા ચાલક મુકેશને રૂા. ૫૦ થી ૬૦ હજારનું કમિશન ચૂકવ્યું હતું. નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પરથી મળેલી વિગતો અનુસાર, આ ખાતાનો ઉપયોગ કરીને તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના નિર્દોષ નાગરિકો સાથે ડિજિટલ ઠગાઈ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સાયબર ગુનેગારો પોલીસ અને કાયદાના સકંજાથી બચવા માટે ગરીબ, મજૂર, વિદ્યાર્થીઓ કે બેરોજગારોને કમિશનની લાલચ આપીને તેમના નામે નકલી પેઢીઓ કે બેંક ખાતા ખોલાવે છે, જેને ટેકનિકલ ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવાય છે. સાયબર ઠગો કોઈ નાગરિક સાથે છેતરપિંડી કરીને નાણાં સીધા આ ખાતામાં મંગાવે છે અને ત્યાંથી ગણતરીની મિનિટોમાં ક્રિપ્ટોકરન્સી ખરીદી લે છે અથવા અન્ય રાજ્યોના એટીએમમાંથી રોકડ રકમ ઉપાડી મની લોન્ડરિંગ કરે છે. જ્યારે ભોગ બનનાર પોલીસ ફરિયાદ કરે ત્યારે મુખ્ય સૂત્રધારો વિદેશમાં કે અન્ય રાજ્યોમાં છુપાયેલા હોવાથી પોલીસ ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે સીધી આ મ્યુલ ખાતાધારકોની ધરપકડ કરે છે. ભુજ સાયબર પોલીસે સામાન્ય નાગરિકોને પોતાના બેંક ખાતા કોઈને પણ ભાડે કે કમિશન પર ન આપવા અપીલ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)