Sat Aug 29 2026

Logo

યુ-ટ્યૂબ પર વીડિયો જોઈ બનાવી દેશી બંદૂક, ભચાઉમાંથી એસઓજીએ દબોચ્યો

2026-08-03 11:08:00
Author: Mumbai Samachar Team
યુ-ટ્યૂબ પર વીડિયો જોઈ બનાવી દેશી બંદૂક, ભચાઉમાંથી એસઓજીએ દબોચ્યો

ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાંથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે પૂર્વ બાતમીના આધારે એક શખ્સને ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા શખ્સે યુ-ટ્યૂબ પર વીડિયો જોઈને બંદૂક બનાવતા શીખી તેના પાર્ટ્સ ભેગા કરી જાતે જ હથિયાર તૈયાર કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

મળતી વિગતો મુજબ, પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટુકડી શિકારપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગામના બસ સ્ટેન્ડ પાછળ એક શખ્સ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે ઊભો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી મુકેશ રણછોડ કોળી નામના શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસે મુકેશની ઝડતી લેતાં તેણે ઓઢેલી શાલમાંથી રૂ. ૫,૦૦૦ની કિંમતની ગેરકાયદેસર બંદૂક મળી આવી હતી. પોલીસે હથિયાર જપ્ત કરી આરોપીની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત આપી હતી કે તેણે યુ-ટ્યૂબ પર ઘરે હથિયાર કેમ બનાવવા એ વિષય પરના વીડિયો જોઈને બંદૂક બનાવવાની રીત શીખી હતી અને ત્યારબાદ જુદા જુદા પાર્ટ્સ એકઠા કરી આ બંદૂક પોતે જ બનાવી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)