વૈશ્વિક સ્તરે સરહદી જિલ્લા કચ્છને આગવી ઓળખ આપનારી કચ્છી શૈલીની પરંપરાગત ભરતકામની કળા આજે એક વિચિત્ર વિસંગતિમાંથી પસાર થઈ રહી છે. એક તરફ કચ્છી હેન્ડિક્રાફ્ટ અને ખાસ કરીને એન્ટિક ભરતકામની વૈશ્વિક બજારમાં માંગ સતત વધી રહી છે, ત્યારે બીજી તરફ આ કળાને પેઢી દર પેઢીથી જીવંત રાખનારા કચ્છી આહીર, માલધારી અને રબારીઓની ત્રીજી પેઢી હવે આ આહીર-માલધારી-રબારી- ભરતકામથી દૂર જઈ રહી છે. એક સમય એવો હતો કે દીકરીને લગ્ન બાદ વળાવવા માટે ભરતકામના નમૂનાઓ જાણે ફરજિયાતપણે કરિયાવરની વસ્તુઓ ગણાતી, પણ આજે બદલાયેલા માહોલમાં કરિયાવરને તિલાંજલિ આપવાની ટહેલ નંખાતા આ રૂઢિગત ભરતકામના એન્ટિક નમૂનાઓ મહદંશે બંધ થઇ જવા પામ્યા છે.
બન્યું એવું છે કે, એકતરફ એન્ટિક ભરતકામની વૈશ્વિક બજારમાં માંગ સતત વધી રહી છે, ત્યારે બીજી તરફ એન્ટિક હેન્ડિક્રાફ્ટના ઉત્પાદનમાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. પરિણામે બજારની માંગને પહોંચી વળવા માટે એન્ટિક નમૂનાઓની અછત ઊભી થઈ રહી છે. કચ્છના આહીર, રબારી, માલધારી, હરિજન, સથવારા, મુતવા અને જત સહિતની વિવિધ જ્ઞાતિઓમાં દીકરીના કરિયાવરમાં આભલા ભરત અને આરી ભરતથી તૈયાર કરાયેલા ચણિયા, પોલકા, કેડિયાં અને અન્ય જુદા-જુદા પ્રકારના વસ્ત્રો અપાતાં.
બારીક આભલા અને રંગીન દોરાનું ભરતકામ પેઢી દર પેઢી આગળ વધતું રહ્યું હતું પણ હવે સમય બદલાયો છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને આહીર, રબારી, માલધારી, હરિજન, સથવારા અને જત સહિતના સમાજની નવી પેઢી શિક્ષણ મેળવી અન્ય ક્ષેત્રોમાં રોજગારી તરફ આગળ ધપી છે.
ઔદ્યોગિકીકરણ સાથે ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ અને અન્ય વ્યવસાયોમાં તકો વધવા ઉપરાંત કચ્છમાં બેન્ટોનાઇટ આધારિત ઉદ્યોગો અને તેની સંલગ્ન ક્ષેત્રે પણ સમાજના યુવાનો-યુવતીઓ માટે નવી તકો ઊભી થઈ છે. પરિણામે દિવસો સુધી બેસીને હાથથી ભરતકામ કરવાની પરંપરા હવે નવી પેઢીમાં લગભગ તૂટી રહી છે.
આ પરિસ્થિતિમાં ખાસ કરીને એન્ટિક હેન્ડીક્રાફ્ટ વાળા વસ્ત્રો ભેગાં કરવા વેપારીઓને ગામેગામ ફેરી કરવી પડી રહી છે. ગામડાંમાં હવે આ કામ મોટાભાગે ઘરમાં રહેલા વડીલો જ કરે છે જયારે નવી પેઢી હવે ભરતકામને બદલે સ્ક્રીન ટાઈમમાં વધુ સમય પસાર કરી રહી છે. કચ્છના ભાતીગળ ઉગમણી- આથમણી બન્નીના બાનિયારી,ધોરડો, હોડકો, ભીરંડિયારા જેવાં ગામો ઉપરાંત આહીર, રબારી, માલધારીઓની વસ્તીવાળા ધાણેટી, રતનાલ, ઝીંકડી, હબાય, સાપેડા જેવા ગામોમાં ફેરી કરીને હેમડીક્રાફ્ટના વેપારીઓ ઘરોઘર ફરીને જૂનું ભરતકામ અને તેને આધારિત વસ્ત્રોની ખરીદી કરે છે. નવી પેઢી આ કળા શીખવા કરતાં શિક્ષણ અને અન્ય રોજગાર તરફ આગળ વધી રહી હોવાથી આગામી સમયમાં અસલ એન્ટિક ભરતકામના નમૂનાઓ મળવા વધુ મુશ્કેલ બનશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
રી-સાઈકલિંગ કરતાં પહેલાં જૂના એન્ટિક ભરતકામ આધારિત વસ્ત્રોનું ડ્રાય ક્લીનિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં રહેલા ભરતકામવાળા ભાગોને અત્યંત કાળજીપૂર્વક કાતરથી કાપી-કાપીને અલગ કરવામાં આવે છે.
આવા 'પેચ'ને એકબીજા સાથે જોડીને તેમાંથી ફરી આ પ્રકારના નવા પહેરવેશો તૈયાર કરાય છે. આ માટે જર્મન અને ચાઇનીઝ મશીનરી ઉપરાંત કોમ્પ્યુટર ડિઝાઇનિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી એન્ટિક ભરતકામને નવા સ્વરૂપમાં રજૂ કરી શકાય.
વિવિધ ગામો અને સમાજોમાંથી મળેલા જુદા જુદા એન્ટિક ભરતકામના પેચને જોડીને તૈયાર થતાં પોશાકની ખાસિયત એ છે કે, એક જ વસ્ત્રમાં કચ્છની અનેક પરંપરાગત ભરતકામ શૈલીનો સંગમ જોવા મળે છે. આ રીતે તૈયાર થતાં બ્લાઉઝ, ચણિયા, કેડિયાં અને ઝભ્ભામાં જૂના આભલા, રંગીન દોરા અને પરંપરાગત ભાતનું અનોખું સંયોજન જોવા મળે છે.
કચ્છની પરંપરાગત પહેરવેશ સંસ્કૃતિમાં કેડિયાંનું પણ વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ હવે આ પ્રકારના અસલ એન્ટિક કેડિયાં લગભગ નામશેષ થવા આવ્યા છે. તેથી જૂના કેડિયાં કે અન્ય વસ્ત્રોમાંથી બચી શકે તેવા ભરતકામના પેચને સાચવીને નવા પોશાકમાં ઉપયોગમાં લેવાની પ્રક્રિયા વધી છે.
રૂ. ૧,૫૦૦થી ૬,૦૦૦ સુધીના પહેરવેશ
જૂના એન્ટિક ભરતકામના પેચમાંથી રી -સાયકલ કરીને તૈયાર કરાયેલા બ્લાઉઝની કિંમત સામાન્ય રીતે રૂ. ૧,૫૦૦થી રૂ. ૫,૦૦૦ સુધી રહે છે. જ્યારે ચણિયાની કિંમત રૂ. ૨,૫૦૦થી રૂ. ૬,૦૦૦ સુધી પહોંચે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન આ પ્રકારના કચ્છી પરંપરાગત પહેરવેશની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે.
હવે એન્ટિક પહેરવેશ ખરીદવા કરતાં ભાડે લેવાનો ટ્રેન્ડ પણ નવરાત્રીમાં વધી રહ્યો છે. એક વ્યક્તિ રૂ. ૧૦,૦૦૦ ખર્ચીને બે એન્ટિક બ્લાઉઝ ખરીદે તેનાં કરતાં લગભગ એટલી જ રકમમાં નવરાત્રીના નવે નવ દિવસ માટે અલગ અલગ એન્ટિક પહેરવેશ ભાડે લેવાનું પસંદ કરે છે.
કાતરથી કાપતાં દિલ દુભાય, પણ સમૃદ્ધ વારસો જાળવવો જરૂરી છે'
કચ્છી હેન્ડિક્રાફ્ટના અગ્રણી વેપારી ચેતનભાઈ શાહ અને રોહિતભાઈ શાહના જણાવ્યા મુજબ, 'એન્ટિક ભરતકામને લુપ્ત થતું બચાવવા તેનું રિ-સાયકલિંગ કરવું જરૂરી બન્યું છે. એન્ટિક આભલા ભરતકામના જુના પેચને કાતરથી કાપી-કાપીને અલગ કરવા પીડાદાયક લાગે છે, પરંતુ આ ભાતીગળ કળાનો વારસો જીવંત રાખવા માટે હાલ તેના સિવાય કોઈ છૂટકો નથી.'
આજે કચ્છના એન્ટિક ભરતકામ સામેનો સૌથી મોટો પડકાર બજારની માંગ નહીં, પરંતુ તેની પાછળ રહેલા કારીગર હાથની ઘટતી સંખ્યા છે. એક સમયે જે કળા દીકરીના કરિયાવરથી ઘર-ઘરમાં પહોંચતી હતી, તે હવે વડીલ પેઢીના હાથમાં સીમિત થતી જાય છે. જૂના એન્ટિક ભરતકામના નમૂનાઓનું રિ-સાયકલિંગ હાલ કચ્છના ભરતકામના વારસાને વૈશ્વિક બજારોમાં જીવંત રાખી રહ્યું છે, પરંતુ લાંબા ગાળે કારીગરોની નવી પેઢી તૈયાર ન થાય તો કચ્છની આ ભાતીગળ ભરતકામ પરંપરાને સાચવવાનો પડકાર વધુ ગંભીર બની શકે છે.
જો કે, કચ્છના અજરખ-બાટિક પ્રિન્ટ દ્વારા તૈયાર કરાતાં હેન્ડિક્રાફ્ટના વસ્ત્રો જેવાં કે લૂંગી, ચાદર, તૈયાર શર્ટ્સ, કુર્તા-પાયજામા, ઝભ્ભાના ઉત્પાદનમાં આવી કોઈ સમસ્યા નથી અને તેની વૈશ્વિક સ્તરે પણ માંગ વધી રહી હોવાનું ચેતનભાઈ શાહે ઉમેર્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)