અંજાર: કચ્છમાં અઢી દાયકા અગાઉ આવેલા વિનાશક ભૂકંપ બાદ થઇ રહેલા વિકાસને પગલે જમીનોના ભાવમાં આવેલા ઉછાળા સાથે જ બિનખેડૂતો દ્વારા ખોટી રીતે ખેડૂત બની જમીનો હડપવાના કિસ્સાઓ સતત સપાટી પર આવી રહ્યા છે. આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો અંજારમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં મૂળ ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન ખરીદનારા આસામીને અંજાર મામલતદારે બિનખેડૂત ઠેરવી રૂપિયા 44.21 કરોડનો રેકોર્ડબ્રેક દંડ ફટકારતો હુકમ કર્યો છે.
ભૂપેન્દ્ર અમૃતલાલ પંડ્યા દ્વારા જમીન ખરીદવામાં આવી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અંજાર સીમમાં ભૂપેન્દ્ર અમૃતલાલ પંડ્યા દ્વારા જમીન ખરીદવામાં આવી હતી. આ મામલે જિતેશ મ્યાત્રા નામના વ્યક્તિએ પુરાવા સાથે ફરિયાદ કરી હતી કે ખરીદનાર કે તેમના વારસદારો મૂળ ખેડૂત નથી, તેથી તેઓ ખેતીની જમીન ખરીદી શકે નહીં. અંજાર મામલતદાર બી.વી. ચાવડાએ બંને પક્ષોની દલીલો અને જમીન મહેસૂલ રેકોર્ડની વિસ્તૃત તપાસ બાદ તારણ કાઢ્યું હતું કે, ભૂપેન્દ્ર પંડ્યા અને તેમના પત્ની ખેડૂત ખાતેદાર સાબિત થતા નથી. આ વ્યવહાર ગણોતધારાની કલમ-89 નો સીધો ભંગ હોવાનું ઠેરવી મામલતદારે જમીનની કિંમત કરતા ત્રણ ગણી રકમ એટલે કે રૂા. 44,21,75,880 નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત જમીનમાંથી દબાણ દૂર કરી તેને સરકાર હસ્તક કરવાનો પણ આદેશ અપાયો છે.
વહીવટી તંત્ર પર પણ પક્ષપાતનો આરોપ લગાવ્યો
બીજી તરફ, આ ઐતિહાસિક ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "અમને બ્લેકમેઈલ કરવાના ઈરાદે ખોટી ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદી દ્વારા મોટી રકમની માંગણી પણ કરવામાં આવી હતી.તેમણે વહીવટી તંત્ર પર પણ પક્ષપાતનો આરોપ લગાવતા ઉમેર્યું હતું કે, મામલતદારના આ એકપક્ષીય નિર્ણય સામે તેઓ વડી અદાલતમાં ન્યાય માંગશે.
ખેડૂત બનનારા તત્વોમાં ભારે ફફડાટ
તેમણે દાવો કર્યો હતો કે જેટલી જમીનની કિંમત નથી તેના કરતા અનેકગણો દંડ વસૂલવાનો આદેશ અપાયો છે અને આવા તત્વો દ્વારા અંજાર પંથકમાં અન્ય ૨૫ જેટલી ખોટી ફરિયાદો પણ કરવામાં આવી છે. અંજાર મામલતદારના આ કડક વલણને પગલે જમીન કૌભાંડીઓ અને ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
( ઉત્સવ વૈધ)