Wed Sep 09 2026

Logo

કોઈને પણ લિફ્ટ આપતા પહેલા સાવધાન! ભુજના આદિપુરમાં બની ચોંકાવનારી ઘટના

2026-04-30 20:46:40
Author: Mumbai Samachar Team
કોઈને પણ લિફ્ટ આપતા પહેલા સાવધાન! ભુજના આદિપુરમાં બની ચોંકાવનારી ઘટના

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે. તેનો જીવતો જાગતો પુરાવો આદિપુરમાં સામે આવ્યો છે. અહીં એક મહિલાએ રડતા-રડતા લિફ્ટ માંગી વેપારીની માનવતાનો ગેરફાયદો ઉઠાવી, પોતાના સાગરિત સાથે મળી ધોળા દિવસે રૂપિયા ૨.૪૫ લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. 

ધોળા દિવસે રૂપિયા ૨.૪૫ લાખની લૂંટ 

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપમાં રહેતા અને ગાંધીધામમાં પ્લાયવૂડની દુકાન ચલાવતા વેપારી શનિ ગુપ્તા ગત તારીખ 19 એપ્રિલના રોજ પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન આદિપુર નર્મદા ભવન પાસે મોઢે દુપટ્ટો બાંધેલી એક અજાણી મહિલાએ રડતા-રડતા તેમની કાર અટકાવી હતી. પોતે મુસીબતમાં છે અને ભાડાના પૈસા નથી તેમ કહી જુમાપીર ફાટક સુધી લિફ્ટ માંગતા વેપારીએ તેને કારમાં બેસાડી હતી.

લૂંટ આચરી બંને આરોપીઓ નાસી છૂટ્યા

ગાડી જુમાપીર ફાટક પાસે પહોંચતા જ મહિલાએ અગાઉથી ફોન કરીને બોલાવેલો તેનો સાગરિત મોટરસાઇકલ લઈને ત્યાં આવી પહોંચ્યો હતો અને વેપારીની કારમા બેસી ગયો હતો. ત્યારબાદ વેપારીના ગળા પર છરી રાખી સોનાની ચેન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨.૪૫ લાખની લૂંટ ચલાવી હતી. ગભરાયેલા વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના યુવાનો દોડી આવતાં બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. નાસતા પહેલા આરોપીએ ધમકી આપી હતી કે, "મારું નામ કાસમ ચાવડા છે, કિડાણામાં પૂછી લેજે, જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ."

વેપારીએ સમયસૂચકતા વાપરી શખ્સની મોટરસાઇકલ (જીજે-૩૯-એચ-૬૫૫૨) અને બંને આરોપીઓના ફોટા પાડી લીધા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ધોળા દિવસે બનેલી આ ગંભીર ઘટનાની ફરિયાદ ઘટનાના 10 દિવસ બાદ નોંધાઈ હતી. હાલ આદિપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી હતી.

(ઉત્સવ વૈદ્ય)