Thu Jun 25 2026

Logo

વિશેષ: આ સ્ટુડન્ટ્સ વીકએન્ડમાં કરે છે તળાવની સફાઈ...

2026-06-21 09:40:00
Author: Rashmi Shukla
Article Image

 

 

 

- રશ્મિ શુકલ

 

રાજસ્થાનનાં તળાવો, વાવડી અને ઘાટ એક સમયે લોકોના જીવનનો ભાગ હતાં. એનાં પર તેમનું જીવન નભતું હતું. જોકે આજે એનાં તરફ દુર્લક્ષ કરાતાં એ કચરો અને પ્લાસ્ટિકના ઢગલાંથી ખડકાયેલાં છે.  હવે એની જાળવણી અને સાફસફાઈનું કામ કોટાના યુવાનોએ શરૂ કર્યું છે.  કોટાનાં આ યુવાનોએ જૈત સાગર અને સુખ મહલ પાસે સાફસફાઈ અભિયાન શરૂ કર્યું છે. તેઓ કલાકો સુધી તળાવમાંથી કચરો દૂર કરે છે. 

 

વીકએન્ડમાં પણ સ્વયંસેવકો ચંબલ નદીના કિનારાની સાફસફાઈ કરે છે. સાથે જ વાવડી, મંદિરની આસપાસથી પણ ગંદકી દૂર કરે છે. 

 

આ સિવાય આ બળબળતા ઉનાળામાં પંખીઓ માટે પાણી અને દાણાની વ્યવસ્થા પણ કરે છે. લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ પણ તેઓ આપે છે.  સરકાર અને પર્યાવરણવિદ મુજબ રાજસ્થાનનાં પારંપરિક જળાશયો વધતાં શહેરીકરણ, અતિક્રમણ અને પ્રદૂષણને કારણે ઘટી રહ્યા છે. 

 

ઐતિહાસિક વાવડીઓ પણ સુકાઈ ગઈ છે અથવા તો વર્ષોથી એની અંદર કચરો ઠલવાતો જાય છે. સદીઓથી આ વાવડીઓ સામાજિક કેન્દ્રબિંદુ રહ્યું છે. એમાં વરસાદનું પાણી સચવાતાં આસપાસ ઠંડક પણ રહેતી હતી. રાજ્યના વૉટર બોડિઝના આંકડા મુજબ 2018-19માં રાજસ્થાનમાં 16,939 જળાશયો હતાં, પરંતુ એમાંથી 21 ટકા જળાશયો હવે કાર્યરત નથી, એ સુકાઈ ગયા છે અને લોકોની દુર્લક્ષતાનો ભોગ બન્યાં છે. જયપુરના માનસાગર તળાવની વાત કરીએ તો જાણવા મળ્યું છે કે એક સર્વે પ્રમાણે 40 ટકા તળાવોની નજીક પર્યાવરણવિદોની મંજૂરી વગર અતિક્રમણ થયું છે. સાથે જ પ્રદૂષણ અને સોલિડ વેસ્ટે પણ તેના પ્રવાહમાં અડચણ પેદા કરી છે. 

 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સર્વેક્ષણ મુજબ રાજસ્થાનના ચાંદલાઈ તળાવ પર ઝડપી શહેરીકરણ, ગેરકાયદે બાંધકામ અને કચરાનું સામ્રાજ્ય વધી ગયું છે. એને કારણે આ ઐતિહાસિક જળાશય પર દબાણ વધ્યું છે.

 

આ બધું જોતાં જ યુવાનોએ આ તળાવોની સાફસફાઈનું કામ હાથ ધર્યું છે. તેઓ ગંદકીથી ભરેલા આ તળાવોમાં હાથ નાખીને કચરો બહાર કાઢે છે. 

 

છેલ્લાં ત્રણ વર્ષથી કોટા કમ્યુનિટીએ 75 આવાં અભિયાન મંદિરો અને જાહેર સ્થળોએ હાથ ધર્યાં છે. એમાં મોટા ભાગે તો સ્ટુડન્ટ્સ, ઑફિસ જતાં કર્મચારી અને રહેવાસીઓ પણ હવે સામેલ થયાં છે. રવિવારે સૌ કોઈ ભેગાં મળીને સફાઈ કરે છે.

આપણાં દેશમાં પ્રદૂષણને લઈને હંમેશાં ચર્ચાની સાથે દોષારોપણ કરવામાં આવે છે. જોકે કોટાના લોકોએ તો વાદવિવાદને બદલે જાતે જ સફાઈનું બિડું ઉઠાવ્યું છે.  માત્ર વાતો કરવાથી પરિણામ નથી મળવાનું એના માટે લોકોએ સજાગ થઈને પોતાની જવાબદારી સમજવી ખૂબ જરૂરી છે.