નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં કોરાડી થર્મલ પાવર સ્ટેશનમાં સોમવારે સવારે અચાનક ગરમ વરાળનું ગળતર થવાથી આઠ કામગાર ઈજાગ્રસ્ત થયા હોવાનું સ્ટેટ પાવર જનરેશન કંપની (મહાજેન્કો)એ જણાવ્યું હતું. આ દુર્ઘટના સવારે ૧૦:૨૦ વાગ્યે પ્લાન્ટના યુનિટ નંબર 10માં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન બની હતી.
આઠ ઈજાગ્રસ્તમાં ચાર મહાનિર્મિતિના કર્મચારીઓ છે, જ્યારે બાકીના ચાર કોન્ટ્રાક્ટ કામગાર છે. મહાનિર્મિતિ એક સરકારી માલિકીની વીજળી ઉત્પાદન કંપની છે. સર્વ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ નાગપુર લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે ચાર અન્ય લોકો હજુ પણ સારવાર હેઠળ છે.
સલામતી વિભાગે ચોક્કસ કારણ શોધવા માટે ઓડિટ શરૂ કર્યું છે. શરૂઆતના તારણો સૂચવે છે કે સલામતીના નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. ઈજાગ્રસ્તોના તમામ તબીબી ખર્ચ કંપની દ્વારા સંપૂર્ણપણે આવરી લેવામાં આવશે એવું ખાતરી મહાજેન્કોએ ખાતરી આપી છે.