અમદાવાદઃ ગુજરાતની રબારી જ્ઞાતિની જાણીતી ગાયિકા કિંજલ રબારીએ આંજણા પટેલ જ્ઞાતિના યુવકને પરણતાં બબાલ મચી છે. લોકગાયિકા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને તેની અને તેના પતિની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. કિંજલ રબારીએ જાનનું જોખમ હોવાનું કહીને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. જે બાદ તેણે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે હર્ષ સંઘવીને વિનંતી કરી હતી.
કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી
હર્ષ સંઘવીને અપીલ કરીને કિંજલ રબારીએ કહ્યું, કાલે મેં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મેં જણાવ્યું કે મેં લગ્ન કરી લીધા છે. હું મારી રાજીખુશી આવી છું છતાં અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ધમકી આપવાનું શરૂ કર્યું છે. મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા પરિવાર માટે પૈસા કમાઈ રહી છું, ત્યાં સુધી બધાને સારી લાગું છું. જ્યારે મારી લાઈફ માટે મેં એક નિર્ણય લીધો તેમાં હું ખોટી થથઈ જાવ, ખરાબ થઈ જાવ છું. એને લઈને સમાજના ઘણા બધા લોકોએ એવું લખ્યું છે કે, અમે દીકરીઓને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે, મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે બીજા સમાજની દીકરીઓને લઈ આવે છે ત્યારે આપણે બધું સ્વીકારી લઈએ છીએ. જ્યારે એજ કાર્ય આપણી દીકરી કરે ત્યારે વિરોધ કરીએ છીએ.
Kinjal Rabari Marriage Controversy પાટણની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પોતાના લગ્ન અને ત્યારબાદ મળી રહેલી ધમકીઓ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સમાજની બેવડી નીતિ અને દીકરીઓ પરના પ્રતિબંધો સામે કિંજલે અનેક સવાલો કર્યા છે. જુઓ આ ખાસ અહેવાલ. Kinjal… pic.twitter.com/8kv3LGoLPZ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) March 13, 2026
મને એવું લાગે છે અત્યારે તમે એકતા કરી રહ્યા છો બહુ સારી વાત છે, સમાજ એકતા કરે છે. પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની છું. આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આમાં સપોર્ટ કરવા વિનંતી કરું છું. બાકી આપણે તો કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. પ્રેમથી મારી આ રિકવેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈપણ પગલું લીધું છે તે મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની લાઈફ છે, મોરી પોતાની ચોઈસ છે તેના પર કોઈ સવાલ કે કોમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ.
શું છે મામલો
રાધનપુરના સીનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ તાજેતરમાં આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા.જે બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી કે, મેં મારા પરિવારને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા આખરે લગ્નનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયામાં મારા પતિ સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. મારા લગ્નને લઈને કોઈએ ખોટી અફવાઓ ફેલાવવી નહીં.
પોલીસ સુરક્ષાની માગ કરતા કિંજલ રબારીએ કહ્યુ કે, અમારા લગ્ન બાદ મારૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગ કરી છે. મને કે મારા પતિને લાગતા વળગતાને કોઈ નુકસાન થયું તો જવાબદાર મારા પરિવારજનો હશે.
જાણો કોણ છે કિંજલ રબારી
રાધનપુરના સિનાડ ગામની કિંજલ રબારી આજે લોકસંગીતમાં જાણીતું નામ છે. ધો 1 થી 8 સુધી ગામની શાળામાં અભ્યાસ કરનારી કિંજલને તેના મોટાભાઈ તથા શાળાના શિક્ષકોએ ગાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલમાં માઈક પર ગાવાના અનુભવથી ધીમે ધીમે તે પ્રોગ્રામ કરતી થઈ હતી. આજે તેની ગણના ગુજરાતના જાણીતા કલાકારો પૈકીના એકમાં થાય છે. તેના યુટ્યુબ પર 30થી વધુ આલ્બમો છે. માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ તેણે કાર્યક્રમો આપ્યા છે.