કોલકાતાઃ પશ્ચિમ બંગાળના નવા મુખ્ય પ્રધાન તરીકે શુભેન્દુ અધિકારીએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તેમની સંપત્તિની પણ ચર્ચા થઈ રહી છે.
શુભેન્દુ અધિકારીની કેટલી છે સંપત્તિ
શુભેન્દુ અધિકારીએ દાખલ કરેલું સોગંદનામું મુજબ, તેમની પાસે કાર, સોનું નથી. તેમની પાસે માત્ર રૂ. 12,000 રોકડા છે. તેમણે જાહેર કરેલી સંપત્તિ આશરે રૂ. 85.87 લાખ છે. જેમાં રૂ. 24.57 લાખની ચલ સંપત્તિ અને રૂ. 61.30 લાખની અચલ સંપત્તિ સામેલ છે.
શુભેન્દુ અધિકારીના વિવિધ બેંકોમાં કુલ 14 ખાતા છે. જેમાં પંજાબ નેશનલ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક અને કેટલીક કો-ઓપરેટિવ બેંક સામેલ છે. આ બેંક ખાતામાં કુલ જમા રકમ રૂ. 7.34 લાખ છે. આ ઉપકાંત નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર તથા પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમમાં પણ રોકાણનો ખુલાસો થયો છે. LICની અનેક પોલિસી પણ તેના નામ પર છે.
જમીન અને ફ્લેટ પણ છે સામેલ
અચલ સંપત્તિની વાત કરીએ તો શુભેન્દુ અધિકારી પાસે પૂર્વ મિદનાપુર જિલ્લામાં ખેતીની જમીન અને કેટલીક સંપત્તિ છે. નંદીગ્રામ સહિત અનેક વિસ્તારોમાં તેમણે ખેતીની જમીન જાહેર કરી છે. આ ઉપરાંત તમલુક અને કુમારપુરમાં ફ્લેટ પણ છે. આ તમામ સંપત્તિની કુલ કિંમત આશરે રૂ. 61 લાખથી વધારે છે. સોગંદનામું પ્રમાણે, શુભેન્દુ અધિકારી પર કોઈ બેંક લોન કે સરકારી લેણું નથી. નાણાકીય વર્ષ 2024-25માં તેમની કુલ આવક આશરે રૂ, 17.38 લાખ હતી.
ઉલ્લેખનીય છે કે, શુભેન્દુ અધિકારીએ 2026ની વિધાનસભા ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર કરીને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીને હરાવ્યા હતા. એક સમયે મમતાના ખાસ મનાતા શુભેન્દુ 2020માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપે 294 સીટમાંથી 207 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો.