સોશિયલ મીડિયા પર વાયરલ થતા દાવાઓ ઘણીવાર ગભરાટ પેદા કરે છે, આવી સ્થિતિમાં આવા વોટ્સએપ યુનિવર્સિટી પર આડેધડ કરવામાં આવતા દાવાઓ પર આંખ બંધ કરીને ફરોસો કરવા કરતાં તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય જાણવું ખૂબ જ જરૂરી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં એક કન્ટેન્ટ ક્રિયેટરે એવો દાવો કર્યો હતો કે આપણા કિચનમાં વાસણ સાફ કરવા માટે વપરાતો સ્પન્જ કે સ્ક્રબર આપણને કેન્સર જેવી જીવલેણ બીમારી ગિફ્ટમાં આપી શકે છે. પરંતુ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર સ્ક્રબર અને કેન્સર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ચોક્કસપણે જોખમી સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...
કિચનમાં વપરાતું સ્ક્રબર એ સતત પાણી અને ફૂડ પાર્ટિકલ્સના કોન્ટેક્ટમાં રહે છે. ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા (જેમ કે E. coli અને Salmonella) માટે એકદમ સ્વર્ગ સમાન છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, એક જૂના સ્ક્રબરમાં પ્રતિ ચોરસ ઈંચ લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હોઈ શકે છે. હવે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કિચન સ્ક્રબરને કારણે કેન્સર જેવી બીમારી થઈ શકે છે. પરંતુ હકીકત શું છે ચાલો જાણીએ એક્સપર્ટ્સ પાસેથી...
વૈજ્ઞાનિક રીતે સ્ક્રબરથી કેન્સર જેવી બીમારી થાય છે એવો કોઈ સત્તાવાર પુરાવો જોવા નથી, પરંતુ તેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત બીજી સમસ્યાઓ નોંતરી શકે છે.
⦁ ફૂડ પોઈઝનિંગ: બરતણો દ્વારા બેક્ટેરિયા પેટમાં જઈ શકે છે.
⦁ પેટમાં ચેપ: ઝાડા-ઉલ્ટી કે ગેસ જેવી સમસ્યાઓ.
⦁ ત્વચાના રોગો: જો તમારા હાથ પર કોઈ ઘા હોય તો ગંદા સ્ક્રબરથી ઈન્ફેક્શન વધી શકે છે.
સ્ક્રબર ક્યારે અને કેવી રીતે બદલવો?
નિષ્ણાતોના મતે કિચન હાઈજીન જાળવવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ.
1. દર એકથી બે અઠવાડિયે કિચન સ્ક્રબર બદલી નાખવો જોઈએ. જો સ્ક્રબરમાંથી દુર્ગંધ આવવા લાગે, તો તેને તરત જ ફેંકી દેવો.
2. ઉપયોગ કર્યા પછી સ્ક્રબરને બરાબર નીચોવીને એવી જગ્યાએ રાખો જ્યાં તે ઝડપથી સુકાઈ જાય. ભેજ જ બેક્ટેરિયાનું મૂળ છે.
3. દિવસમાં એકવાર સ્ક્રબરને ગરમ પાણીમાં ઉકાળી શકાય અથવા તેને એન્ટી-બેક્ટેરિયલ લિક્વિડથી સાફ કરી શકાય.
4. વાસણ ધોવા માટે અને કિચન પ્લેટફોર્મ (સ્લેબ) સાફ કરવા માટે અલગ-અલગ સ્ક્રબર કે કપડાનો ઉપયોગ કરવો હિતાવહ છે.