ખેડાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે ઉમેદવારો જાહેર કરવાનો અંતિમ દિવસ છે. ખેડા જિલ્લામાં ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ઉકળતો ચરૂ હતો. ભાજપ શાસન સામે નારાજગી વ્યક્ત કરીને 200 જેટલા કાર્યકરો, હોદ્દેદારો કોંગ્રેસમાં સામેલ થયા હતા. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીનો ભત્રીજો, યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભીએ પક્ષ પલટો કર્યો હતો. જેને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મળતી વિગત અનુસાર, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં આ તમામ કાર્યકરો વિધિવત રીતે પક્ષમાં જોડાયા હતા. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા મહેશભાઈ ડાભી તેમજ ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી તેમાં મુખ્ય હતા. આ ઉપરાંત પીઠાઈ બેઠક વિસ્તારના વર્તમાન તાલુકા પંચાયત સભ્યો, પૂર્વ સભ્યો અને સરપંચો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક કામ કરતા કાર્યકરોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે આ સામૂહિક પક્ષ પલટો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કઠલાલ તાલુકા ભાજપમાં જૂના કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવતા હોવાથી કાર્યકરોમાં ભારે રોષ હતો. કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રીતે રાજીનામા ધરી દેતાં ગરમાવો આવ્યો હતો.
કોંગ્રેસના સૂત્રોના કહેવા પ્રમાણે, ભાજપની નીતિઓથી કંટાળીને લોકો હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત બાદ અનેક બેઠકો પર કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં ભાજપના કાર્યકરોએ પણ પક્ષ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તમામને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.