Fri Apr 17 2026

Logo

ખડગેના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં દિલ્હીમાં ગુજરાતી સમાજ અને ભાજપનું ઉગ્ર પ્રદર્શન

2026-04-08 14:30:00
Author: Devayat khatana
Article Image

નવી દિલ્હી: તાજેતરમાં કેરળમાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આપેલા એક કથિત વિવાદાસ્પદ નિવેદન પર ભારે હોબાળો મચ્યો છે. ખડગેએ કથિત રીતે ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન બાદ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે અને તેને ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે. 

ત્યારે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો દેશની રાજધાની દિલ્હીમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દિલ્હીમાં વસતા ગુજરાતીઓ અને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહીને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. આજે નવી દિલ્લી ખાતે સમસ્ત ગુજરાતી સમાજે એકઠાં થઈને કોંગ્રેસના અહંકારને લપડાક લગાવી અને ઉગ્ર ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો. જેમાં રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

જો કે વિરોધ વધતાં  ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને માફી માંગી હતી. મલ્લિકાર્જુન ખડગેએ પોસ્ટ કરીને લખ્યું, તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું મારી તરફથી જવાબદારીપૂર્વક ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશા રહેશે. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઉદ્દેશ્ય નહોતો.

ગઇકાલે અમદાવાદમાં પણ ભાજપ કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓએ મૌન પાળીને વિરોધ નોંધાવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ સાથે મળીને ખડગેના નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો.  ગઇકાલે ખડગેના નિવેદનના વિરોધમાં  સુરત, વડોદરા, મહાનગર ભાજપ દ્વારા 'મૌન ધરણા' યોજી સજ્જડ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ખડગેના આ નિવેદન પર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વિશે કરવામાં આવેલા આવા નિવેદનો અત્યંત વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે આ ટિપ્પણી માત્ર 6 કરોડ ગુજરાતવાસીઓનું અપમાન નથી, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપને મળી રહેલા જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત અનુભવી રહી છે અને ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો જડબાતોડ જવાબ આપતા જાણે છે.

ગુજરાત નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ આ મુદ્દે ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે,  કોંગ્રેસને ગુજરાત પ્રત્યે આટલી નફરત કેમ છે? તેમણે કહ્યું કે જે ગુજરાતે દેશને ગાંધી, સરદાર અને વડાપ્રધાન મોદી આપ્યા તે ધરતીના લોકોનું અપમાન કરવું એ કોંગ્રેસની હતાશા દર્શાવે છે. સંઘવીએ વધુમાં ઉમેર્યું કે શું ગુજરાતની જનતાએ તમને સત્તા બહાર કર્યા એટલે તમે વારંવાર તેમને નિશાન બનાવી બદલો લો છો? ગાંધી અને પટેલની આ પવિત્ર ધરતીનું અપમાન કરનાર કોંગ્રેસને ગુજરાત ક્યારેય માફ નહીં કરે.