Wed Apr 22 2026

Logo

ગુજરાતીઓને અભણ કહેવા બદલ ખડગેએ માફી માંગીને શું કહ્યું? જાણો વિગત

2026-04-08 14:20:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા હતા. જે બાદ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. આજે ગુજરાતીઓએ દિલ્હી સ્થિત કોંગ્રસે હેડ ક્વાર્ટર બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખડગેની ટિપ્પણીની આલોચના કરી હતી. આ દરમિયાન ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને માફી માંગી હતી.

શું કર્યું પોસ્ટ

મલ્લિકાર્જુન ખડગેએ પોસ્ટ કરીને લખ્યું, તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું મારી તરફથી જવાબદારીપૂર્વક ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશા રહેશે. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઉદ્દેશ્ય નહોતો.

 

ખડગેના નિવેદનનો વિરોધ કરવા આજે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા.  વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલી મહિલાએ કહ્યું, ગુજરાતીઓ ભણેલા-ગણેલા અને મહેનતું હોય છે તેથી સફળ થાય છે. જે લોકો ગુજરાતીઓને ગાળો આપે છે તે ખોટા છે. ગુજરાતીઓ ભણેલા-ગણેલા છે તેથી દેશની પ્રગતિમાં યોગદાન આપે છે. મહાત્મા ગાંધી ગુજરાતી હતી, તેમણે ભારતને સ્વતંત્રતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ કઈ હેસિયતથી ગુજરાતીઓને ગાળો આપે છે? તેમણે પહેલા પોતાની અંદરની સ્થિતિ જોવી જોઈએ.

શું બોલ્યા હતા ખડગે

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે  વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપતા ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને "મૂરખ" બનાવવામાં આવી રહ્યા છે.  ખડગેએ કહ્યું હતું કે મોદી કે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી, તેમણે કેરળના લોકોને "ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત" ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, "કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત છે. મોદીજી, વિજયન, તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોએ જે લોકો અશિક્ષિત છે તેમને મૂરખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, મોદી અને વિજયન બંને એક જ રસ્તા પર ચાલી રહ્યા છે અને તેઓ જે પક્ષોનું નેતૃત્વ કરે છે તે સિવાય તેમની વચ્ચે કોઈ તફાવત નથી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું હતું

સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી તથા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ગઇ છે.  ગિફ્ટ સિટી થકી ગુજરાત ગ્રીન ટેક હબ બન્યું છે. તેમજ  ઝવેરચંદ મેઘાણી, વિક્રમ સારાભાઈ, મોરારજી દેસાઈ જેવા વિરલ વ્યક્તિત્વ દેશને ગુજરાતે આપ્યા છે. તેમણે કહ્યું કે  રાજનિતીમાં વૈચારિક મતભેદ હોઈ શકે પણ કોઈ રાજ્યના લોકોનું અપમાન કરવું એ માત્ર અશોભનીય નથી પરંતુ કોંગ્રેસની બિમાર અવસ્થાનું વર્ણન કરે છે.

ગુજરાતનો વિકાસ કોંગ્રેસને પચતો નથી

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન  હર્ષ સંઘવીએ પણ આકરા શબ્દોમાં પ્રહાર કર્યો હતો.  કોંગ્રેસમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે આ પ્રકારનું અપમાન કોંગ્રેસની 'બિમાર માનસિકતા દર્શાવે છે. તેમણે કહ્યું કે ખડગેજીએ સમજી વિચારીને અપમાન કર્યું છે. જે પાર્ટી ગુજરાતમાં જીતી નથી શકતી એ ગુજરાતને કોસે છે. તેમજ ખડગેને પૂછ્યું હતું કે આ નિવેદન તમારું છે કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું છે ?  કોંગ્રેસને ગુજરાતીઓથી નફરત છે.  ગુજરાતમાં તમે ક્યારેય જીતી નહી શકો. કોંગ્રેસની માનસિક્તા જ બિમાર છે. તેમજ ગુજરાતનો વિકાસ  કોંગ્રેસને પચતો નથી.