Mon Sep 07 2026

Logo

બેંગલુરુમાં કેરળની સરકારી બસમાં આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી

2026-07-04 08:40:00
Author: Vimal Prajapati
બેંગલુરુમાં કેરળની સરકારી બસમાં આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં કેરળ રાજ્ય પરિવહનની બસમાં અચાનક આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના શુક્રવારે સાંજે જ્ઞાન ભારતી મેટ્રો સ્ટેશનની બચી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે, આ દરમિયાન બસમાં માત્ર ડ્રાઈવર અને કંડક્ટર સહિત માત્ર 4 લોકો જ સવાર હતાં. આ ચારેય લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. આગની ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

ડ્રાઈવર અને કંડક્ટર સહિત ચારેય લોકો સલામત

ફાયર વિભાગ દ્વારા સત્વરે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી.  પ્રાથમિક તપાસ રિપોર્ટ્સ પ્રમાણે પહેલા બસના એન્જિનમાં આગ લાગી અને પછી આગે આખી બસને ચપેટમાં લઈ લીધી હતી. આગ લાગી તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં બસ સળગતી જોવા મળી રહી છે.

 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આગ લાગી ત્યારે આસપાસ અનેક લોકો હતા, પરંતુ આગ લાગ્યાં બાદ બધા જ લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યાં હતાં. કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. જે વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બસ સિવાય કોઈ પણ અન્ય વાહનોને કોઈ નુકસાન નથી થયું તેવું પણ જાણવા મળ્યું છે. જો કે, આગ શા કારણે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.