Tue Oct 06 2026

Logo

માતા બન્યા બાદ વધેલા વજન પર કેટરિના કૈફ થઈ ટ્રોલ! બચાવમાં આવ્યો અલી ઝફર, તો રિતીક રોશન

2026-09-19 14:18:00
Author: Mumbai Samachar Team
માતા બન્યા બાદ વધેલા વજન પર કેટરિના કૈફ થઈ ટ્રોલ! બચાવમાં આવ્યો અલી ઝફર, તો રિતીક રોશન

બોલીવૂડની ટોચની અને ગ્લેમરસ એક્ટ્રેસ કેટરિના કૈફ તાજેતરમાં પોતાના બદલાયેલા લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી છે. માતા બન્યા બાદ લાંબા સમય પછી કેટરિના અંબાણી પરિવારના ગણેશોત્સવની પૂજામાં જાહેરમાં જોવા મળી હતી. આ ઈવેન્ટના ફોટોઝ અને વીડિયો વાયરલ થતાં જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેના વધેલા વજન અને પોસ્ટ-પ્રેગ્નન્સી લુક પર અણછાજતી ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું.

યુઝર્સે તેની જૂની તસવીરો સાથે સરખામણી કરીને પહેલા જેવી વાત નથી રહીથી લઈને ઐશ્વર્યા અને રેખા સાથે અયોગ્ય તુલના કરી હતી. જોકે, આ ટ્રોલિંગ સામે ફેન્સ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ કેટરિનાના સમર્થનમાં આગળ આવ્યા છે. 

કેટરિના કૈફ સાથે ફિલ્મમાં કામ કરી ચૂકેલા પાકિસ્તાની સિંગર અને એક્ટર અલી ઝફરે એક વીડિયો શેર કરીને ટ્રોલિંગની આકરી ટીકા કરી હતી. અલી ઝફરે પુરુષો અને સમાજને અપીલ કરી હતી કે તેઓ સ્ત્રીઓની સુંદરતાના અવાસ્તવિક અને રૂઢિવાદી માપદંડો થોપવાનું બંધ કરે અને એક સ્ત્રી જ્યારે માતૃત્વ ધારણ કરે છે ત્યારે તેના શારીરિક બદલાવો પ્રત્યે સહાનુભૂતિ દાખવે.

સોશિયલ મીડિયા પર એક ચાહકે કેટરિનાના સમર્થનમાં લખ્યું હતું કે, મારા સમગ્ર ટીનએજમાં મને કેટરિના પર ક્રશ હતો, તેની ફિલ્મો અને પોસ્ટરો સાચવી રાખતો હતો. હવે જ્યારે ટ્રોલ્સ પ્રેગ્નન્સી પછીના વજનને લીધે તેનું કરિયર ખતમ થવાની વાતો કરે છે ત્યારે તેમના પર દયા આવે છે.

ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' અને 'બેંગ બેંગ'માં કેટરિના સાથે સ્ક્રીન શેર કરનાર સુપરસ્ટાર રિતિક રોશને આ પોસ્ટને લાઈક કરી હતી. જોકે, માત્ર પોસ્ટ લાઈક કરવાને લઈને કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા હતા કે રીતિક માત્ર લાઈક કરવાને બદલે ખુલીને બોલવું જોઈતું હતું અને પાકિસ્તાની એક્ટર કરતાં પણ પાછળ રહી ગયા.

જોકે, મધરહૂડ બાદ વજન વધવાને કારણે ટ્રોલ થનારી કેટરિના પહેલી એક્ટ્રેસ નથી. આ અગાઉ પુત્રી આરાધ્યાના જન્મ બાદ ઐશ્વર્યા રાય-બચ્ચન પણ આવી જ આકરી ટીકાઓનો સામનો કરી ચૂકી છે. આ ઉપરાંત રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર અને બિપાશા બાસુ જેવી અભિનેત્રીઓ પણ બોડી શેમિંગનો ભોગ બની હતી. 

વાત કરીએ કેટરિના કૈફના વર્ક ફ્રન્ટની તો હાલ ફિલ્મોથી દૂર રહીને પોતાના પરિવાર, બિઝનેસ અને મધરહૂડને એન્જોય કરી રહી છે. તે છેલ્લે 2024માં વિજય સેતુપતિ સાથે ફિલ્મ 'મેરી ક્રિસમસ'માં જોવા મળી હતી.